કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની નાલેશીભરી હાર, ટેરર ફંડિંગ માટે સજા ભોગવી રહેલા એન્જિનિયરની થઈ જીત

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો ખૂબ જ ચોંકાવનારા રહ્યાં છે. ભાજપ ગઠબંધન-NDA ને યુપી સહિત અનેક રાજ્યોમાં મોટા આંચકાઓ સહન કરવા પડી રહ્યાં છે. દેશની એક સીટ પર , ટેરર ફંડિંગ માટે સજા ભોગવી રહેલા એન્જિનિયરે ઉમેદવારી નોંધાવી હતી અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ઉમેદવારે જેલમાંથી પણ આ બેઠક જીતી લીધી છે. અહિં વાત થઈ રહી છે જમ્મુ-કાશ્મીરની બારામુલા બેઠકની.

જમ્મુ અને કાશ્મીરમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પોત-પોતાની બેઠકો પર ચૂંટણી હારી ગયા છે. ઓમર બારામુલામાં હારી ગયા છે જ્યારે મુફ્તીએ અનંતનાગમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે ચૂંટણી પંચ તરફથી હજુ આ અંગે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. ઓમર અબ્દુલ્લાને હરાવનાર એન્જિનિયરનું નામ રાશિદ શેખ છે. શેખે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને હાલમાં તે ટેરર ફંડિંગના કેસમાં તિહાર જેલમાં બંધ છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર જમ્મુ અને કાશ્મીર રાજ્યના બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને તેમની સંબંધિત લોક્સભા બેઠકો પર કારમી હારનો સામનો કરવો નિશ્ચિત છે. અબ્દુલ્લા બારામુલામાં બે લાખ વોટથી પાછળ છે જ્યારે મહેબૂબા મુફ્તી અનંતનાગ-રાજૌરી સીટ પર અઢી લાખ વોટથી પાછળ છે. બારામુલા લોક્સભા સીટ પર ત્રીજા સ્થાને હાઇ પ્રોફાઇલ નેતા સાજિદ લોન છે, તે જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ પાર્ટીના ઉમેદવાર છે. ઓમરે મીડિયા ચેનલો સાથે વાત કરતા પોતાની હાર સ્વીકારી લીધી છે અને આ અંગે ટ્વિટ પણ કર્યું છે.

અબ્દુલ રાશિદ ઉર્ફે એન્જિનિયર રાશિદ શેખ હાલમાં ટેરર ફંડિંગના કેસમાં તિહાર જેલમાં બંધ છે. બે વખતના ધારાસભ્ય અને અવામી ઇત્તેહાદ પાર્ટીના વડા રાશિદ બારામુલાથી ચૂંટણી લડી રહેલા ૨૨ ઉમેદવારોમાંથી એક છે. દ્ગૈંછ દ્વારા ૨૦૧૯માં ટેરર ફંડિંગ કેસમાં રાશિદની ધરપકડ કરવામાં આવી હતી. તેમના બે પુત્રો અબરાર રાશિદ અને અસરર રાશિદે તેમના વતી પ્રચાર કર્યો હતો. રાશિદ ૨૦૦૮ અને ૨૦૧૪માં લંગેટ વિધાનસભા ચૂંટણીથી જીત્યા હતા. જોકે ૨૦૧૯ની લોક્સભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

બારામુલા સિવાય અનંતનાગ-રાજૌરી બેઠક પર લોક્સભા ચૂંટણીમાં મહેબૂબા મુફ્તી ને હરાવનાર નેશનલ કોન્ફરન્સના નેતા મિયાં અલ્તાફ અહેમદ છે. અહેમદ અને મુફ્તી વચ્ચે મતોનો તફાવત લગભગ ૨.૫ લાખથી વધુનો છે.