સ્વતંત્રતા દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરથી એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. વીડિયોમાં હિજબુલ આતંકવાદીનો ભાઈ તેના ઘરની બારી પર તિરંગો લહેરાવતો જોવા મળી હ્યો છે. અત્રે જણાવવાનું કે હિજબુલ મુજાહીદ્દીનના આતંકી જાવેદ મટ્ટુનો ભાઈ રઈસ મટ્ટુ તેના ઘરની બારીમાંથી તિરંગો લહેરાવતો જોવા મળ્યો. નોંધનીય છે કે કાશ્મીર ખીણના ટોચના 10 ટાર્ગેટમાં હિજબુલ મુજાહીદ્દીન આતંકી સંગઠન સાથે જોડાયેલા આતંકી જાવેદ મટ્ટુનું નામ પણ સામેલ છે. જે લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓના રડાર પર છે.
આ અગાઉ રવિવારે શ્રીનગરમાં એક વિશાળ તિરંગા રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. આ રેલીમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી પર ખુબ નિશાન સાંધ્યુ હતું. તેમણે કહ્યું કે જે લોકો દાવો કરતા હતા કે જમ્મુ કાશ્મીરમાં તિરંગો ઉઠાવનારું કોઈ નહીં બચે તે તમામ લોકોએ આ રેલીમાં આવેલી ભીડને જોવી જોઈએ.
જમ્મુ અને કાશ્મીરના ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાશ્મીરમાં તિરંગા રેલીનું આયોજન સફળ થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. જ્યારે પોલીસ મહાનિદેશક દિલબાગ સિંહે કહ્યું કે આ રેલીમાં લોકોએ મોટી સંખ્યામાં આવવું જોઈએ. તિરંગા રેલીમાં દિલબાગ સિંહે કહ્યું કે લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો આ કાર્યક્રમમાં આગળ વધીને ભાગ લેવા માંગે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ રેલીમાં સુરક્ષા ચુસ્ત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે સ્વતંત્રતા દિવસના અવસેર ઘાટીમાં આતંકી ગતિવિધિઓ વધતી હોય છે. જ્યારે અનેક આતંકીઓ સંક્રિય થઈ જાય છે. આવામાં સુરક્ષા દળોનું કામ વધી જાય છે અને તેમણે વધુ ચોક્કસ રહેવું પડે છે. છેલ્લા કેટલાક દિવસથી સેનાએ અનેક આતંકવાદી ઘૂસણખોરોને નિષ્ફળ બનાવ્યા છે. આ બધા વચ્ચે અનેક અથડામણ પણ થઈ જેમાં આતંકીઓનો ખાતમો કરાયો.