
શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસને પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામીની ૧૨૨.૮૯ કરોડ રૂપિયાની ૧૯ મિલક્તો અને ભૂતપૂર્વ અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું બે માળનું મકાન જપ્ત કર્યું હતું. આ કાર્યવાહી સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ભલામણ પર કરવામાં આવી હતી જે ટેરર ??ફંડિંગ કેસની તપાસ કરી રહી છે. ગિલાનીનું આ ઘર શ્રીગઢના બરજુલા વિસ્તારમાં આવેલું છે. એસઆઇએએ આ જ વિસ્તારમાં એક અન્ય રહેણાંક મકાનને પણ જપ્ત કર્યું છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ઘર જેઇઆઇ દ્વારા ૧૯૯૦ના દાયકામાં ખરીદાયું હતું અને તે ગિલાનીના નામે નોંધાયેલું હતું. ગિલાની ૨૦૦૦ની શરૂઆતમાં આ જ ઘરમાં રહેતા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમના મૃત્યુ બાદ ઘરનો ઉપયોગ જેઇઆઇના અમીર (મુખ્ય)ના નિવાસસ્થાન તરીકે કરવા લાગ્યા.
એસઆઇએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય અલગતાવાદી ગતિવિધિઓ માટે ધનની ઉપલબ્ધતાને રોકવાનો છે. આ સાથે જ ભારતની સાર્વભૌમત્વ માટે રાષ્ટ્રવિરોધી તત્વો અને આતંકવાદી નેટવર્કની સમગ્ર વ્યવસ્થાને તોડી પાડવાનો છે. આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીરમાં ઘણી હદ સુધી ફન્ડિંગના જોખમને ખતમ કરી દેશે. સાથે જ એવા સમાજની સ્થાપનામાં પણ મદદ મળશે જ્યાં કોઈ ભય ન હોય.
એસઆઇએએ કેન્દ્રશાસિત પ્રદેશમાં જેઇઆઇની ૧૮૮ મિલક્તોની ઓળખ કરી છે જેને આગળની કાનૂની કાર્યવાહી માટે સૂચિત કરવામાં આવી રહી છે. અધિકારીઓએ કહ્યું કે આ કાર્યવાહી બટમાલૂ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરની તપાસનું પરિણામ છે.એસઆઇએ આ મામલાની તપાસ કરી રહી છે. આ પગલાનો ઉદ્દેશ્ય આતંકવાદીઓના નેટવર્કને તોડી પાડવાનો છે જેઓ ભારતની સાર્વભૌમત્વ માટે ખતરો છે.