કાશ્મીરમાં ભાગલાવાદી સંગઠનોની કમર ભાંગી


શ્રીનગર,
કાશ્મીરમાં શાંતિનો માર્ગ મોકળો થતો દેખાય છે. ભાગલાવાદી સંગઠનોની કમર ભાંગી પડી છે. સૌથી મોટો સફાયો ભાગલાવાદી સંગઠન હુરયત કોન્ફરન્સનો થયો છે. એક સમય એવો પણ હતો જ્યારે હુરયતના એક એલાન સાથે કાશ્મીર ખૂલતું અને બંધ થતું હતું. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ સરકારે ભાગલાવાદી જૂથ વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રાખી હતી.
પહેલાં અનેક ભાગલાવાદી નેતા પોલીસ સુરક્ષાદળ અને બુલેટપ્રૂફ ગાડીઓની મજા માણતા હતા પણ હુમલા બાદ સરકારે તે સુવિધા પાછી ખેંચી લીધી. શબ્બીર શાહ, નઈમ ખાન, યાસીન મલિક જેવા ડઝનેક ભગલાવાદીઓને જેલમાં કેદ કરાયા છે. યાસીન મલિકને ટેરર ફન્ડિંગ મામલે જન્મટીપની સજા ફટકારી છે. વધુ બે કેસમાં કેસ ચાલી રહ્યો છે.

આ ઉપરાંત ભાગલાવાદી નેતા આશિયા અંદ્રાબી પણ જેલમાં છે. હુરયતને પક્ષપલટાનો સામનો કરવો પડ્યો છે. અનેક નેતા હુરયત છોડી મુખ્યધારાના પક્ષોમાં જોડાઈ ગયા છે. તાજેતરમાં હુરયતના સંસ્થાપકોમાં સામેલ અબ્બાસ અન્સારીના મોત બાદ આ સંગઠન લગભગ ખતમ થઇ ચૂક્યું છે.

ઈડીએ ભાગલાવાદી નેતા શબ્બીર શાહનું ઘર જપ્ત કરી લીધું. તેની સામે ટેરર ફન્ડિંગ કેસમાં કાર્યવાહી કરાઈ હતી. શ્રીનગરમાં આવેલા આ મકાનની કિંમત ૨૨ લાખ રૂ. છે.વરિષ્ઠ નેતા સૈયદ શાહ ગિલાનીના સપ્ટેમ્બર ૨૦૨૧માં નિધન બાદ હુરયતને સૌથી મોટો આંચકો લાગ્યો હતો. ગિલાનીના જમાઈ અલ્તાફનું ટેરર ફન્ડિંગ કેસમાં ધરપકડ દરમિયાન ઓક્ટોબર ૨૦૨૨માં લાંબી બીમારીથી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.