સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને પોતાના મિત્ર તુર્કી સાથે ફરી એક વાર કાશ્મીર રાગ આલાપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતના ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે પાડોશી દેશ પાકિસ્તાનને અને તુર્કીને રોકડું પરખાવી દીધું હતું. ભારતે રાઇટ-ટુ-રિપ્લાયનો ઉપયોગ કરીને પલટવાર કર્યો હતો. ભારતે કહ્યું કે જે દેશની સંસ્થાઓ લઘુમતીઓ પર અત્યાચાર કરે છે અને જેનો માનવાધિકારનો રેકોર્ડ નબળો છે તેને ભારત વિરુદ્ધ નિવેદન કરવાનો કોઈ અધિકાર નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પાકિસ્તાન અલગ-અલગ વિષયો પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે, પરંતુ આ વખતે તુર્કીએ પણ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રની ૫૫મી માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તુર્કીએ પણ આ મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. આરોપોનો જવાબ આપતાં ભારતના
ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી અને તુર્કીને ચેતવણી પણ આપી હતી કે તે ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરે.
અનુપમા સિંહે કહ્યું, ’ભારતની આંતરિક બાબતો પર તુર્કીની ટિપ્પણીઓ દુ:ખદ છે અને અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં તુર્કી અમારી આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનું ટાળશે.
તુર્કીના રાષ્ટ્રપતિ આર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે કાશ્મીરમાં ન્યાય સાથે શાંતિ સ્થાપિત કરવી જરૂરી છે. ભારત-પાકિસ્તાને આ મામલો વાતચીત અને પરસ્પર સહયોગ દ્વારા ઉકેલવો જરૂરી છે. કાશ્મીરમાં શાંતિ માટે જે પણ પગલાં લેવામાં આવશે તેને તુર્કી સમર્થન આપશે.