કાશીમાબાદ સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરતા એક ઈસમની ગેસના 18 બોટલ સાથે કાલોલ પોલીસે અટકાયત કરી

કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ડી.ભરવાડને બાતમી મળી કે કાલોલની કાશીમાબાદ સોસાયટીમાં રહેતા પોતાના રહેણાક મકાનમાં મહંમદફારૂક અબ્દુલરહીમ મન્સૂરી નામનો ઈસમ અનઅધિકૃત રીતે ગેસના બોટલ ભરી આપે છે અને છુટક વેચાણ કરે છે. જે આધારે પીએસઆઇ એલ.એ.પરમાર અને પોલીસ સ્ટાફ સાથે તેના રહેણાંક મકાનમાં રેડ કરતા પ્રથમ રૂમમાં તે હાજર મળી આવેલ અને ગેસના બોટલો સામસામે રાખીને રીફીલિંગ કરતો જોવા મળેલ. તેને ગેસ બોટલ માંથી બીજા બોટલમાં ગેસ ભરી આપવાનો પરવાનો માંગતા તેની પાસે આવો કોઈ પરવાનો જોવા મળ્યો ન હતો.

પોલીસે ઇન્ડિયન એલપીજી ભરેલા ત્રણ ગેસના બોટલ તેમજ રિલાયન્સ કોમર્શિયલના ત્રણ ભરેલા બોટલ એચપી કોમર્શિયલનો એક ભરેલ બોટલ તેમજ લાલ કલરના કોઈપણ જાતના લખાણ વગરના 11 ભરેલા બોટલ એમ કુલ મળીને 18 ગેસના બોટલ ઝડપી પાડ્યા હતા. તેમજ આ ગેસ બોટલ માંથી એક બોટલ માંથી બીજી બોટલમાં ગેસ ટ્રાન્સફર કરવા માટેની નોઝલ નંગ-2 તેમજ વજન કાંટો અને પક્કડ નંગ-2 એમ કુલ મળીને 31,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સળગી ઊઠે તેવા પદાર્થ એક બોટલ માંથી બીજા બોટલમાં ટ્રાન્સફર કરી બેદરકારી રાખી પોતાની અને અન્ય માણસોની જિંદગી જોખમમા મુકાય તેવું કૃત્ય કરવા બદલ કાયદેસર કાર્યવાહી હાથે ધરી હતી.