કાશી વિશ્વનાથ ધામમાં બનાવ્યો રેકોર્ડ, ૨ વર્ષમાં ૧૩ કરોડ ભક્તોએ મુલાકાત લીધી

લખનૌ, કાશી વિશ્વનાથ ધામ: છેલ્લા બે વર્ષમાં રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા છે. કાશી વિશ્ર્વનાથ ધામમાં ભક્તો માટે સુલભતા અને સુવિધાઓ વધારવા માટે યોગી સરકારની અતૂટ પ્રતિબદ્ધતાને પરિણામે છેલ્લા બે વર્ષમાં પવિત્ર સ્થળની મુલાકાત લેતા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં ૧૬,૦૦૦ આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓનો સમાવેશ થાય છે.કાશી વિશ્ર્વનાથ ધામ અને સ્પેશિયલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનિલ વર્માએ જણાવ્યું હતું કે ૧૩ ડિસેમ્બર, ૨૦૨૧ થી ૬ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં, ૧૫,૯૩૦ વિદેશી ભક્તોએ પ્રતિષ્ઠિત વિશ્ર્વનાથ મંદિરની મુલાકાત લેવા માટે બુકિંગ કરાવ્યું છે.

વડાપ્રધાન મોદીએ ૧૩ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ કાશી કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી, તીર્થસ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્માએ કહ્યું કે ૨૦૨૨ની સરખામણીમાં ૨૦૨૩ માટે બુકિંગ લગભગ બમણું થઈ ગયું છે.સીઇઓના જણાવ્યા અનુસાર, ૧૩ ડિસેમ્બર, ૨૦૨૧ થી ૬ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં ૧૨ કરોડ ૯૨ લાખ ૨૪ હજાર લોકોએ રેકોર્ડબ્રેક મુલાકાત લઈને યાત્રાધામમાં ધાર્મિક પ્રવાસનમાં નોંધપાત્ર વધારો થયો છે.

સીઈઓ અનુસાર, ડિસેમ્બર ૨૦૨૧માં ભક્તોની સંખ્યા ૪૦ હતી, ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ વચ્ચે ૪૫૪૦ અને ૧ જાન્યુઆરી, ૨૦૨૩થી ૬ ડિસેમ્બર, ૨૦૨૩ની વચ્ચે ૧૧,૩૫૦ હતી.