નવીદિલ્હી,કાશી વિશ્ર્વનાથ (વારાણસી), મહાકાલ લોક (ઉજજૈન) તથા મથુરા બાદ હવે સૌરાષ્ટ્ર-ગુજરાતની કૃષ્ણભૂમિ દ્વારકામાં દેવભૂમિ કોરિડોર બનાવવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે દ્વારકામાં પશ્ર્ચીમ ભારતના સૌથી મોટા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિક્સાવવાની યોજના ઘડી છે. જેનાથી ગુજરાતના સૌથી મોટા યાત્રાધામો પૈકીના એક એવા દ્વારકાની સુરત બદલાઈ જશે એટલું જ નહીં શિવરાજપુરને વિક્સાવવાની પણ યોજના છે.
કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે દ્વારકા-પોરબંદર-સોમનાથ લીંક પ્રોજેકટ પણ શરૂ કરવામાં આવશે. પોરબંદર સુદામાનું જન્મસ્થળ છે જયારે સોમનાથ નજીક ભગવાન શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો. આ સિવાય દ્વારકાથી ૧૩ કી.મી. દુર શિવરાજપુર તથા ૨૩ કી.મી. દુરના ઓખા બીચની સુરત બદલવાની પણ યોજના છે. આગામી ૬-૭ સપ્ટેમ્બરે જન્માષ્ટમી પર્વે દ્વારકા કોરિવેરનુ કામ શરૂ કરવામાં આવશે.
દ્વારકાનો કોરિડોર પ્રોજેકટ પણ મહાકાલ લોકના ધોરણે જ હાથ ધરાશે. દ્વારકાધીશ મંદિરથી લઈને બેટદ્વારકા તથા જયોતિલગ નામેશ્ર્વર સુધીના તમામ મંદિરોને જોડવામાં આવશે તેમાં રૂક્ષ્મણી-બલરામ મંદિર, સાંવલિયાજી મંદિર, ગોવર્ધનનાથ મંદિર, મહાપ્રભુ બેઠક, વાસુદેવ, હનુમાન મંદિર તથા નારાયણ મંદિરને પણ આવરી લેવાશે. ઓખાથી બેટદ્વારકાને જોડતો સિગ્નેચર બ્રીજ તૈયાર થઈ જ રહ્યો છે અને તેમાં ૮૭૦ કરોડનો ખર્ચ થશે.
લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાંગણમાં ઐતિહાસિક વૃક્ષ છે એમ કહેવાય છે કે દુર્વાસા ૠષિએ આ સ્થળે તપશ્ર્ચર્યા કરી હતી. યાત્રાળુઓ માટે ત્યાં પણ આકર્ષણ ઉભુ કરાશે. ગોપી તળાવ પણ રીનોવેટ કરાશે. મહાભારત બાદ તમામ ગોપી આ તળાવમાં સમાઈ ગઈ હતી. આ તળાવની માટીને ગોપીચંદન કહેવામાં આવે છે.
આ ઉપરાંત બેટદ્વારકા દ્વીપને વિશ્ર્વસ્તરની બનાવવાની યોજના છે. પ્રથમ તબકકામાં ૧૩૮ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પ્રવાસન, વોટરસ્પોર્ટસ, મરીન ઈન્ટરપ્રિટેશન સેન્ટર, લેકફેટ, ડોલ્ફીન બુઈંગ ગેલેરી સહિતના પ્રોજેકટ હાથ ધરાશે. દરિયામાં ડુબેલી દ્વારકાને જોવા માટે ખાસ ગેલેરી બનાવવામાં આવશે.