ક્સાબે નહીં,પોલીસકર્મીની ગોળીથી મૃત્યુ પામ્યા હેમંત કરકરે, કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે

મુંબઇ, મુંબઈ આતંકવાદી હુમલાને લઈને કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે મોટો દાવો કર્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વડેટ્ટીવારે શનિવારે કહ્યું કે આઈપીએસ અધિકારી હેમંત કરકરેને અજમલ ક્સાબ કે કોઈ આતંકવાદીએ નહીં પરંતુ આરએસએસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીએ ગોળી મારી હતી. તેમણે ભાજપના ઉમેદવાર અને વકીલ ઉજ્જવલ નિકમ પર વિશ્ર્વાસઘાત અને હકીક્ત છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઉજ્જવલ આ કેસમાં સરકારી વકીલ હતા.

વડેટ્ટીવારે કહ્યું કે, તપાસ દરમિયાન કેટલીક મોટી માહિતી સામે આવી છે. આ હોવા છતાં, ઉજ્જવલ નિકમે તેમને છુપાવી દીધા. મારો પ્રશ્ર્ન એ છે કે ભાજપ આવા ગદ્દારને લોક્સભાની ચૂંટણીમાં કેમ ઉતારે છે? આમ કરીને ભાજપ દેશદ્રોહીને બચાવી રહી છે. નિકમ અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ વડેટ્ટીવારના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી.

ફડણવીસે કહ્યું કે વડેટ્ટીવારનું નિવેદન પાયાવિહોણું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ક્સાબની સમર્થક રહી છે. નિકમે કહ્યું કે અમે આવા પાયાવિહોણા આરોપોથી ખૂબ જ દુ:ખી છીએ. આ ક્ષુદ્ર રાજકારણનું ઉદાહરણ છે. મને ખબર નહોતી કે લોકો માત્ર મતના ફાયદા માટે આટલા નીચા પડી જશે. વડેટ્ટીવાર માત્ર મારું જ નહીં પરંતુ ૨૬/૧૧ના હુમલામાં જીવ ગુમાવનારા તમામ ૧૬૬ લોકોનું પણ અપમાન કરી રહ્યા છે.

તેમને વધુમાં કહ્યું કે, કોંગ્રેસે કહ્યું કે ક્સાબ નિર્દોષ છે. પાકિસ્તાને પણ સ્વીકાર્યું હતું કે તે આ ષડયંત્રમાં સામેલ હતો. બધા જાણે છે કે ક્સાબને સજા આપવા માટે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. નિકમે કહ્યું કે જનતા ૪ જૂને આ લોકોને જવાબ આપશે. જ્યારે ફડણવીસે કહ્યું કે અમે અને નિકમ સાથે છીએ, કોંગ્રેસે ક્સાબ સાથે હાથ મિલાવ્યા. દરમિયાન શિવસેનાના પ્રવક્તા કિરણ પાવસ્કરે કહ્યું કે એનઆઇએએ વડેટ્ટીવારની ધરપકડ કરવી જોઈએ. આશ્ર્ચર્યની વાત એ છે કે ઉદ્ધવ ઠાકરે પણ આવા નિવેદન પર મૌન છે.