કાર્ટિંગનો ધંધો કરતા વેપારી પાસેથી લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો

ભરૂચ, ભરૂચમાં એક વેપારીને તમારી ત્રણ ગાડીઓ ફરે છે અને એક ગાડીના પાંચ હજાર લેખે તમારે ૧૫ હજાર રૂપિયા આપવા પડશે કહીને ઉમલ્લા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે લાંચ માંગી હતી. જેમાં પાંચ હજાર લેતા એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો)ના અધિકારીઓએ કોન્સ્ટેબલને ઝડપી લીધો હતો.

આ બનાવની વિગત મુજબ ભરૂચમાં કાર્ટિંગનો ધંધો કરતા એક વેપારીનો ડ્રાઈવર ૩૦ એપ્રિલના રોજ ગાડી લઈને જઈ રહ્યો હતો ત્યારે ઉમલ્લા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજેન્દ્ર જે.વસાવાએ તેને અટકાવ્યો હતો. બાદમાં કોન્સ્ટેબલે ડ્રાઈવર પાસે તેના માલિકને ફોન કરાવ્યો હતો. જેમાં કોન્સ્ટેબલે તમારી ત્રણ ગાડીઓ ફરે છે. એક ગાડીના પાંચ હજાર લેખે તમારે રૂ.૧૫,૦૦૦ આપવા પડશે, અને પૈસા નહી આપો તો તમારી ગાડીઓ ફરવા નહી દઉં, એવી દમદાટી આપી હતી. આથી કારના માલિકે કોન્સ્ટેબલને પાંચ હજાર રૂપિયા આપી દેવા કહ્યું હતું.

આથી ડ્રાઈવરે શ્રીરંગ હોટેલ પાસે ગુગલ પે કરાવી રૂ.૫,૦૦૦ લઈ લીધા હતા. બાદમાં બીજી ગાડીઓના પૈસા પણ જલ્દી આપી દેવા ગાડીઓના માલિકને કહ્યું હતું.બીજીતરફ ગાડીઓના માલિકે એસીબીમાં ફરિયાદ નોંધાવતા ઉમલ્લા ચોકડી પાસેના સંગીતા ટી સ્ટોલ પર બાકીના ૫,૦૦૦ રૂપિયા લેતા કોન્સ્ટેબલ રાજેન્દ્ર વસાવાની ધરપકડ કરી હતી.