
મુંબઇ,
કાર્તિક આર્યન માટે વર્ષ ૨૦૨૨ ખૂબ જ ખાસ હતું. બોક્સ ઓફિસ પર પણ તેની ફિલ્મ ભૂલ ભૂલૈયા ૨ ને ફેન્સનો ફુલ સપોર્ટ મળ્યો હતો તો બીજી તરફ તેની રિલીઝ થયેલી ફિલ્મ ફ્રેડીને પણ ઓટીટી પર ખૂબ પસંદ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૨ની જેમ કાર્તિકનું વર્ષ ૨૦૨૩ પણ શાનદાર રહેશે તેવું લાગે છે. એક્ટરના ફેન્સ માટે નવા સારા સમાચાર સામે આવ્યા છે. કાર્તિકને ભૂલ ભુલૈયા સિરીઝના ત્રીજા પાર્ટ માટે તેને જ કાસ્ટ કરવામાં આવ્યો છે.
મીડિયા સાથેની વાતચીતમાં ભૂષણ કુમારે આ વાતને કન્ફર્મ કરી છે કે કાર્તિક આર્યન ફિલ્મના ત્રીજા પાર્ટમાં પણ જોવા મળશે. તે વર્ષ ૨૦૨૫માં રિલીઝ થશે. ભૂષણ કુમારે આ વિશે વાત કરતાં કહ્યું કે ફિલ્મને લઈને પ્રારંભિક સ્તર પર કામ ચાલી રહ્યું છે. તેના બીજા પાર્ટ અને ત્રીજા પાર્ટની ગેપ ભરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યારે ફિલ્મ પર ઘણું ડેવલપમેન્ટ કરવાનું બાકી છે. તેનું શૂટિંગ વર્ષ ૨૦૨૪થી થશે અને આ ફિલ્મ વર્ષ ૨૦૨૫માં રિલીઝ થશે.
ફિલ્મના બીજા પાર્ટમાં જ્યારે કાર્તિક આર્યનને અક્ષય કુમારની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવ્યો હતો, તે દરમિયાન વિરોધ જોવા મળ્યો હતો. લોકો માનતા હતા કે અક્ષયને કાર્તિક રિપ્લેસ કરી શકશે નહીં અને અક્ષયે જ પહેલા પાર્ટની જેમ બીજા પાર્ટમાં પણ રોલ પ્લે કરવો જોઈએ. પરંતુ પ્રોડ્યુસરે કાર્તિક પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો અને તેને લોકોને નિરાશ કર્યા નહીં. તેમજ બીજા પાર્ટમાં કાર્તિક ની એક્ટિંગને ધ્યાનમાં રાખીને તેને ત્રીજા પાર્ટમાં લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૨માં કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા ૨ સૌથી વધુ કમાણી કરવાના મામલે ચોથા સ્થાન પર રહી છે. આ ફિલ્મે ભારતમાં ૧૮૫.૯૨ કરોડની કમાણી કરી હતી, જ્યારે તેની ફિલ્મનું વર્લ્ડ વાઈડ ક્લેક્શન ૨૬૬.૮૮ કરોડ હતું. કાર્તિકે પણ ફેન્સનો આભાર માન્યો અને આ ફિલ્મની સફળતાથી તે ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. હવે ફેન્સને તો આ પાર્ટની જેમ ફિલ્મના ત્રીજા પાર્ટથી પણ ઘણી આશાઓ છે.