- કરતારપુર કોરિડોર માટે પાકિસ્તાને પ્રથમ રાજદૂત નિયુક્ત કર્યા, સરદાર રમેશ સિંહને જવાબદારી સોંપાઇ.
ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે કરતારપુર કોરિડોર માટે સરદાર રમેશ સિંહ અરોરાને પ્રથમ રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. બુધવારે એક સરકારી નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. પાકિસ્તાને ૨૦૧૯માં કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ચાર કિલોમીટરના કોરિડોરનું ઉદ્ઘાટન તત્કાલિન પીએમ ઈમરાન ખાને કર્યું હતું, પરંતુ હવે વર્તમાન પીએમ શાહબાઝ શરીફે આ કોરિડોર માટે ખાસ એમ્બેસેડરની નિમણૂક કરી છે. તેમનું કહેવું છે કે અહીં અપેક્ષા કરતા ઓછા ભક્તો આવી રહ્યા છે.
પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરદાર રમેશ સિંહ અરોરા અહીં માનદ ધોરણે કામ કરશે. રમેશ અરોરા કરતારપુરનો રહેવાસી છે. તેઓ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ની લઘુમતી પાંખના કેન્દ્રીય મહાસચિવ પણ છે. તેમનો પરિવાર કરતારપુર ખાતેના શીખ પવિત્ર સ્થળોની સુરક્ષા અને કલ્યાણ સાથે સંકળાયેલો છે. તેમની નિમણૂક એટલા માટે કરવામાં આવી છે કારણ કે કરતારપુર કોરિડોર ખુલ્યા બાદ, પાકિસ્તાન સરકાર, ખાસ કરીને ભારતમાંથી જે તીર્થયાત્રીઓની અપેક્ષા રાખે છે, તે સંખ્યા નથી આવી રહી.
નવેમ્બર ૨૦૧૯ માં, તત્કાલિન વડા પ્રધાન ઇમરાન ખાને ગુરુ નાનકની ૫૫૦મી જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં કરતારપુર કોરિડોરનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. આનાથી ભારતીય શીખ તીર્થયાત્રીઓ માટે વિઝા વિના પાકિસ્તાનમાં તેમના ધર્મના પવિત્ર સ્થળોમાંના એકની મુલાકાત લેવાનો માર્ગ મોકળો થયો.
પંજાબ વિધાનસભાની વેબસાઈટ પર અરોરા (૪૮)ની પ્રોફાઈલમાં જણાવાયું છે કે તેઓ સતત બીજી મુદત માટે પંજાબ પ્રાંતીય એસેમ્બલીના સભ્ય તરીકે ચૂંટાયા છે. ૨૦૧૩-૧૮ દરમિયાન તેમના પ્રથમ કાર્યકાળમાં, તેઓ પંજાબ વિધાનસભામાં ૧૯૪૭ પછી શીખ સમુદાયના પ્રથમ ધારાસભ્ય હતા.
કરતારપુર કોરિડોર પાકિસ્તાનમાં ગુરુદ્વારા દરબાર સાહિબને ભારતના પંજાબ રાજ્યના ગુરદાસપુર જિલ્લામાં આવેલા ડેરા બાબા નાનક ગુરુદ્વારા સાથે જોડે છે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવ તેમના જીવનના છેલ્લા કેટલાક વર્ષોમાં કરતારપુરમાં રહ્યા હતા. ચાર કિલોમીટર લાંબો કોરિડોર દરબાર સાહિબની મુલાકાત લેવા માટે ભારતીય શીખ યાત્રાળુઓને વિઝા-મુક્ત પ્રવેશ પ્રદાન કરે છે.