કરોડપતિ પરિવારનો દીકરો હાઇબ્રિડ ગાંજાનો પેડલર બન્યો:3 મકાનનો માલિક, ફ્રોઝન ફૂટ્સનો બિઝનેસમેન, પિતા જમીન-દલાલ; પહેલી ટ્રિપ મારી અને પકડાયો

વિદેશોમાં ફાર્મમાં ઉગાડવામાં આવતા હાઇ પ્યોરિટીની શ્રેણીના હાઇબ્રિડ ગાંજા સાથે જહાંગીરપુરાના યુવા બિઝનેસમેનને નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી લેવાયો હતો. આ યુવક પાસેથી 29.94 લાખની કિંમતનો 998 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળ્યો હતો. આ યુવક બિનધાસ્ત આ જથ્થો સ્કૂલ-બેગમાં સંતાડી મુંબઈથી સુરત સુધી લઈ આવ્યો હતો. 3 મકાનનો માલિક, ફ્રોઝન ફૂટ્સનો બિઝનેસમેન અને પિતા જમીન-દલાલ એવા કરોડપતિ પરિવારના દીકરાએ પહેલી ટ્રિપ મારી અને પકડાઈ ગયો.

3 મકાન અને પિતા જમીન-દલાલ હાઇબ્રિડ ગાંજો સુરતમાં ઘુસાડવાનો પ્રયાસ કરનાર 25 વર્ષીય કેનિલ ફ્રૂટ્સ સૂકવીને વેચાણ કરે છે. કરોડપતિ પરિવારના કેનિલનું સિંગણપોર, તાડવાડીમાં રો-હાઉસ અને જહાંગીરપુરામાં પણ મકાન છે. પિતા જમીન-દલાલ છે. કેનિલે બે વર્ષ પહેલાં કેનિક્સ ધ ફૂડ પ્રોસેસિંગ કંપની રજિસ્ટર્ડ કરાવી છે. નાનપુરા જલદર્શન ટાવરમાં તેની ઓફિસ પણ છે.

યુવક બસમાંથી નિયોલ ચેકપોસ્ટ પહેલાં જ ઊતરી ગયો સારોલી પોલીસ-ઈન્સ્પેક્ટર એસ.આર.વેકરિયા અને ટીમે મંગળવારે બપોરે નિયોલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. કોન્સ્ટેબલ વિલેશ જયંતીને બાતમી મળી હતી કે એક યુવક સ્કૂલ-બેગમાં મુંબઈથી મોટા પ્રમાણમાં હાઇબ્રિડ ગાંજો લઈને સુરત આવી રહ્યો છે. આ યુવક બસમાંથી નિયોલ ચેકપોસ્ટ પહેલાં જ ઊતરી ગયો છે અને તે પગપાળા આવી રહ્યો છે. આ વ્યક્તિનું વર્ણન પણ પોલીસને આપવામાં આવ્યું હતું. બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવ્યાની અડધો કલાક બાદ વર્ણનવાળા શખસને નિયોલ ચેકપોસ્ટ પર અંબાબા કોલેજના ગેટ પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો.

આરોપી યુવકની સ્કૂલ-બેગમાંથી 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 29.94 લાખ રૂપિયા કિંમત થાય છે. આરોપીનું નામ કેનિલ સુભાષ પટેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું. 25 વર્ષીય કેનિલ સિંગણપોરના નિશાળ ફળિયાનો વતની હોવાનું અને જહાંગીરપુરા કૈલાસધામ સોસાયટીમાં રહી ફૂટ્સને સૂકવીને વેચતો હતો. આ ગાંજો તે કતારગામ લક્ષ્મીપાર્કમાં રહેતા અક્ષય ઉર્ફે આઝાદ હિતેશ સોની માટે મુંબઈના વાસી-નેરલમાં અક્ષયના સાગરીત પાસેથી લાવ્યાનું જણાવતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

સિગારેટ પીતી વખતે થયેલી ઓળખ જેલ સુધી દોરી ગઈ કેનિલે પોલીસને જણાવ્યું હતું કે પંદરેક દિવસ પહેલાં વરાછાના રિલાયન્સ મોલમાં ગયો હતો. અહીં સિગારેટ પીતો હતો ત્યારે અક્ષય મળ્યો હતો. તે પણ ત્યાં સિગારેટ પી રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે સામાન્ય વાતચીત થઈ હતી, જેમાં તેણે મુંબઈથી હાઇબ્રિડ ગાંજો લઇ આવવાની ઓફર કરી હતી. તેણે જ 31મીએ રૂપિયા લઈ મુંબઈ મોકલ્યો હતો, જ્યાં વાસી- નેરલ પર એક અજાણ્યો શખસ પ્લાસ્ટિકના ચુસ્ત પેકિંગમાં આ ગાંજો અને બેગ આપી ગયો હતો.

અક્ષયે એક ખેપના 10 હજાર આપવાની ઓફર કરતાં નશાનો પેડલર બન્યો અક્ષયે મુંબઈથી ગાંજાની હેરાફેરી કરવા 10 હજાર કમિશનની લાલચ આપતાં કેનિલ ગત 31 માર્ચના રોજ મુંબઈ-વાસીના નેરલ સ્ટેશન ખાતે ગયો હતો, જ્યાંથી અક્ષયને ફોન કરતાં એક યુવાન આવ્યો હતો અને અક્ષયે રૂપિયા ભરેલી જે થેલી આપી હતી એ અજાણ્યાને આપી હતી અને એના બદલામાં ગાંજો આપ્યો હતો. એ લઈને સુરત સ્ટેશન પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હતી. અક્ષયે તેને એક ખેપના 10 હજાર આપવાની ઓફર કરતાં તે શાખને નેવે મૂકી નશાનો પેડલર બની ગયો હતો. તેને કોર્ટમાં રજૂ કરી પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એ સાથે જ અક્ષયને પકડવા પણ પ્રયાસો હાથ ધર્યા છે.