કરણી સેના અધ્યક્ષની હત્યા મામલે યુપી-એમપીથી લઈને હરિયાણા-પંજાબ સુધી તપાસ શરૂ

  • જયપુરમાં છ શ્રેણીની નાકાબંધી છતાં હત્યારાઓ ફરાર થઈ ગયા

જયપુર, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખની જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરવાના કેસમાં પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત છે. આ ઘટના બાદ જયપુરમાં છ શ્રેણીની નાકાબંધી લાદવામાં આવી હતી. આ પછી પણ બદમાશો ફરાર થઈ ગયા હતા. રાજસ્થાન સહિત પાંચ રાજ્યો (યુપી, હરિયાણા, પંજાબ અને એમપી)માં બદમાશોની શોધ ચાલી રહી છે. અહીં જયપુર કમિશનરેટ પોલીસ,એટીએસ,એસઓજી અને સીઆઇડીની ટીમો પણ તપાસમાં લાગી છે. આ સાથે જેલોમાં પણ તપાસ થઈ રહી છે.

રાજસ્થાનના જયપુરમાં શ્યામ નગર વિસ્તારમાં મળવાના બહાને તેના ઘરે આવેલા ત્રણ હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક હુમલાખોરનું પણ મોત થયું છે. સુખદેવ સિંહ ગોગામેડીને ગંભીર હાલતમાં માનસરોવરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. રાજપૂત કરણી સેના સાથે જોડાયેલા લોકો હોસ્પિટલની બહાર એકઠા થયા છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જયપુર, ઉદયપુર અને બાડમેર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાંથી વિરોધ પ્રદર્શનના સમાચાર આવી રહ્યા છે.આ તરફ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની ઘટનાના ત્રણ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બે હુમલાખોરો હોલમાં બેઠેલા સુખદેવ સિંહ પર ગોળીઓ ચલાવતા જોવા મળે છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને શોધી રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા રાજ્યભરમાં પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે. ડીજીપી ઉમેશ મિશ્રાએ સાવચેત રહેવા સૂચના આપી છે.

પોલીસે કહ્યું કે, આરોપીઓ શ્યામ નગર વિસ્તારમાં સુખદેવ સિંહ ગોગામેડીના ઘરમાં ઘૂસી ગયા હતા અને લગભગ ૧.૩૦ વાગ્યે ગોળી મારી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી,એફએસએલની ટીમે પણ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા હતા. આ ઘટનાની માહિતી આપતા જયપુર પોલીસ કમિશનર બીજુ જ્યોર્જ જોસેફે મીડિયાને જણાવ્યું કે, ગોગામેડીને મળવા ત્રણ લોકો આવ્યા હતા. પરવાનગી મળ્યા બાદ તે અંદર ગયો અને લગભગ દસ મિનિટ સુધી તેમની સાથે વાત કરી.

બીજુ જ્યોર્જ જોસેફે કહ્યું, દસ મિનિટ પછી તેઓએ સુખદેવ સિંહ પર ગોળીબાર કર્યો જેના કારણે સુખદેવ સિંહનું મોત થઈ ગયું. તેની બાજુમાં ઉભેલા સિક્યોરિટી ગાર્ડને ગોળી વાગી હતી, તે હાલમાં આઇસીયુમાં દાખલ છે. આ ફાયરિંગમાં એક હુમલાખોરનું પણ મોત થયું છે. તેણે જણાવ્યું કે, મૃતક નવીન સિંહ શેખાવત મૂળ શાહપુરાનો રહેવાસી હતો અને જયપુરમાં રહેતો હતો અને કપડાની દુકાન ચલાવતો હતો. કમિશનર જોસેફે કહ્યું, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, અમે ફૂટેજના આધારે તપાસ કરી રહ્યા છીએ. અમારી પાસે રહેલા તમામ પુરાવા અને માહિતીના આધારે અમે ટૂંક સમયમાં જ બાકીના બે હુમલાખોરો અને પ્લાનર્સ સુધી પહોંચી જઈશું.ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું છે કે, હુમલાખોરોના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જયપુર અને બિકાનેર ડિવિઝનના પડોશી જિલ્લાઓમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. હરિયાણા પોલીસનો પણ સહયોગ માંગવામાં આવ્યો છે. સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રાજપૂત કરણી સેના સાથે જોડાયેલા લોકો અને રાજપૂત સમાજના લોકો માનસરોવર સ્થિત હોસ્પિટલની બહાર રસ્તો રોકીને વિરોધ કરી રહ્યા છે. દેખાવકારોની માંગ છે કે હત્યારાઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે. રાજપૂત સમુદાયના લોકોએ જયપુર, ઉદયપુર, પ્રતાપગઢ, બિકાનેર, બાડમેર, જોધપુર, જેસલમેર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં પ્રદર્શન કર્યું છે. હાઈવે અને રસ્તાઓ બ્લોક કર્યાના અહેવાલો પણ છે.

આ તરફ ક્ષત્રિય કરણી સેના પરિવારના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રાજ શેખાવતે આંદોલનની ચેતવણી આપી છે. તેમણે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, જે રીતે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની આજે જયપુરમાં તેમના જ ઘરમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે, તેનાથી ક્ષત્રિય સમુદાયમાં ભારે રોષ છે. સરકાર પાસે અમારી માંગ છે કે, ગોગામેડી જીના હત્યારાની વહેલી તકે ધરપકડ કરવામાં આવે, નહીં તો જલ્દી જ જયપુરની ધરતી પર એક મોટું આંદોલન શરૂ કરવામાં આવશે અને સરકાર તેના પરિણામો ભોગવવા તૈયાર રહે.ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું, રોહિત ગોદારા ગેંગે હત્યાની જવાબદારી લીધી છે. અમે શક્ય તેટલી વહેલી તકે ધરપકડની ખાતરી કરીશું. ૧ લાખનું ઈનામ ધરાવનાર રોહિત ગોદારા ગેંગસ્ટર લોરેન્સ વિશ્ર્નોઈ ગેંગ સાથે સંબંધ ધરાવે છે. મૂળ બિકાનેરના લુંકરણસરના કપૂરિયાસરનો રહેવાસી રોહિત ગોદારા પર પણ ગયા વર્ષે નકલી માધ્યમથી દેશ છોડીને ભાગી જવાનો આરોપ છે. આ પહેલા રોહિત ગોદારાએ સીકરમાં ગેંગસ્ટર રાજુ થેહતની હત્યાની જવાબદારી પણ લીધી હતી.