કર્ણાટકમાં ભાજપે ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો,યુનિફોર્મ સિવિલ કોડનું વચન આપ્યું,બીપીએલ પરિવારોને રાંધણ ગેસના ૩ સિલિન્ડર મફત આપશે

  • મફત વસ્તુઓ બંધ કરવાનો દાવો કરનારી ભાજપ ૩ ફ્રી સિલિન્ડર કેમ આપી રહી છે?-ડીકે શિવકુમાર

બેંગ્લોર,કર્ણાટકમાં ૧૦ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે સોમવારે પોતાનો મેનિફેસ્ટો ’પ્રજા વની’ જાહેર કર્યો છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેને બેંગલુરુમાં જાહેર કર્યો છે. મેનિફેસ્ટોમાં પાર્ટીએ યુનિફોર્મ સિવિલ કોડનું વચન આપ્યું છે. આ સાથે બીપીએલ પરિવારોને રાંધણ ગેસના ૩ સિલિન્ડર મફત આપવાનું પણ વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત એક વર્ષમાં તમામ સીનિયર સિટીજનનું માસ્ટર હેલ્થ ચેકઅપ અને ૫૦૦ ગ્રામ નંદિની દૂધ અને દરરોજ ૫ કિલો અનાજ તમામ ગરીબોને વિનામૂલ્યે આપવાનું વચન આપવામાં આવ્યું છે.

યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) નો અર્થ છે – ધર્મ અથવા જાતિને ધ્યાનમાં લીધા વિના ભારતના દરેક નાગરિક માટે સમાન કાયદો. અહેવાલો અનુસાર, જે પણ રાજ્યમાં યુસીસી લાગુ કરવામાં આવે છે, ત્યાં લગ્ન, છૂટાછેડા, દત્તક, ઉત્તરાધિકારી, જમીન અને મિલક્તની વહેંચણીના મામલામાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ થશે. આ કાર્યક્રમમાં સીએમ બસવરાજ બોમાઈ અને બીએસ યેદિયુરપ્પા પણ હાજર રહ્યા હતા.૨૦૧૮માં બીજેપીના મેનિફેસ્ટોના રિલીઝ વખતે વરિષ્ઠ નેતા જગદીશ શેટ્ટર પણ હાજર હતા. ટિકિટ ન મળવાને કારણે શેટ્ટર હવે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે.

દરમિયાન બીજેપીએ ચૂંટણી ઢંઢેરામાં ત્રણ મોટા વચનો આપ્યા છે. બીજેપીના આ ત્રણ મોટા વાયદાઓમાં વર્ષમાં ત્રણ ફ્રી રાંધણ ગેસ સિલિન્ડર આપવાનું વચન પણ આપવામાં આવ્યું છે. હવે કોંગ્રેસના કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે બીજેપીના મફત ગેસ સિલિન્ડરના વાયદા પર સવાલો ઉભા કર્યા છે. ડીકે શિવકુમારે બીજેપી પર આકરા પ્રહાકો કરતા કહ્યું કે, તે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે. પાર્ટીમાં કોઈ તાકાત નથી. બીજેપીએ કહ્યું હતું કે તે ફ્રીબીઝ પર પ્રતિબંધ મૂકશે અને હવે તમે તમારા મેનિફેસ્ટોમાં ગરીબોને ૩ સિલિન્ડર આપવાનું વચન કેમ આપ્યું? શિવકુમારે કહ્યું કે અમે સામાન્ય માણસને સત્તા આપી છે.

અહીં તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના લગભગ ૫૦ હજાર કાર્યર્ક્તાઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતા કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં આપવામાં આવેલા મફત વચનો પર કટાક્ષ કર્યો હતો. આ સાથે પીએમ મોદીએ જનતાને આ ચૂંટણીમાં લોકોને મફત ભેટ અને મફત ગેરંટીની લાલચમાં ન આવવા વિનંતી કરી હતી.

જો કે આ પહેલા કોંગ્રેસે ૫ મોટા વચનો આપ્યા છે તેમાં ગૃહ જ્યોતિ: દરેક પરિવારને દર મહિને ૨૦૦ યુનિટ મફત વીજળી,ગૃહ લક્ષ્મી: દરેક ઘરની મહિલા વડાને દર મહિને રૂ. ૨૦૦૦,યુવા નિધિ: દરેક સ્નાતકને દર મહિને રૂ. ૩૦૦૦ અને ડિપ્લોમા ધારકોને રૂ. ૧૫૦૦,અન્ન ભાગ્ય: દરેક બીપીએલ પરિવારને દર મહિને ૧૦ કિલો મફત ચોખા.

પ્રિયંકા ગાંધીએ રવિવારે કર્ણાટકમાં આંગણવાડીઓમાં કામ કરતી મહિલાઓ માટે એક મોટું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે આંગણવાડીનો પગાર રૂ. ૧૫,૦૦૦, મીની આંગણવાડી રૂ. ૧૦,૦૦૦ અને આશા કાર્યકરોનો પગાર રૂ. ૮,૦૦૦ થશે. તેમણે કહ્યું કે આંગણવાડીમાંથી નિવૃત્તિ પછી રૂ. ૩ લાખ અને મીની આંગણવાડીમાંથી નિવૃત્તિ પછી રૂ. ૨ લાખ આપવામાં આવશે.