કર્ણાટક એક્સપ્રેસે લોકોને કચડ્યા, 11નાં મોત:આગની અફવા ફેલાતા પુષ્પક એક્સપ્રેસમાંથી મુસાફરો કૂદ્યા; સામેથી આવતી ટ્રેને લોકોને ઉડાવ્યા; 40 ઘાયલ

મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે સાંજે 4:42 વાગ્યે એક મોટો ટ્રેન અકસ્માત થયો. અહીં, પચોરા સ્ટેશન પાસે, માહેજી અને પરધાડે વચ્ચે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ. આ દરમિયાન એક મુસાફરે ચેઇન ખેંચી. ટ્રેન ઉભી રહી ગઈ અને ગભરાયેલા મુસાફરો બહાર કૂદી પડ્યા. આ દરમિયાન, બીજા ટ્રેક પર આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસે ઘણા મુસાફરોને કચડી નાખ્યા.

જલગાંવ એસપીએ 11 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. 40 મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે. મધ્ય રેલવેના ભુસાવલ ડિવિઝનના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જે જગ્યાએ ઘટના બની ત્યાં એક તીવ્ર વળાંક હતો. આ કારણે, બીજા ટ્રેક પર બેઠેલા મુસાફરોને ટ્રેનના આગમનનો ખ્યાલ આવ્યો નહીં. આ જ કારણ હતું કે કર્ણાટક એક્સપ્રેસ નીચે આટલી મોટી સંખ્યામાં લોકો કચડાઈ ગયા.

સેન્ટ્રલ રેલ્વેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, ભુસાવલથી મેડિકલ રિલીફ ટ્રેન રવાના થઈ ગઈ છે. ઘટના સ્થળ મુંબઈથી 400 કિમી દૂર છે.

બ્રેક લગાવતાં ટ્રેનના પૈડામાંથી ધુમાડો નીકળ્યો 12696 કર્ણાટક સંપર્ક ક્રાંતિ યશવંતપુરથી હઝરત નિઝામુદ્દીન જઈ રહી હતી, જ્યારે પુષ્પક એક્સપ્રેસ લખનઉથી મુંબઈ જઈ રહી હતી. અહેવાલો અનુસાર, બ્રેક લગાવતી વખતે પુષ્પક એક્સપ્રેસના પૈડામાંથી ધુમાડો નીકળ્યો. આ કારણે મુસાફરોમાં ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ ગઈ. આ પછી ઘણા મુસાફરો કોચમાંથી કૂદી પડ્યા.

રેલવે અધિકારીઓએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. મધ્ય રેલવેના ભુસાવળ વિભાગનાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જે જગ્યાએ ઘટના બની ત્યાં એક તીવ્ર વળાંક હતો, જેના કારણે ટ્રેક પર બેઠેલા મુસાફરો ટ્રેનના આગમનનો ખ્યાલ ન મેળવી શક્યા.

જલગાંવ કલેક્ટરે કહ્યું- રાહત અને બચાવ કાર્ય ચાલુ જલગાંવ જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદે જણાવ્યું હતું કે આ ઘટનામાં પુષ્પક એક્સપ્રેસના મુસાફરો કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાયા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ અકસ્માતમાં 7થી 8 મુસાફરોના મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘાયલોને તાત્કાલિક ગ્રામીણ હોસ્પિટલ સહિત કુલ ત્રણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.