
બેંગ્લુરુ,કર્ણાટકમાં આવતીકાલ ૧૦ મેના રોજ ૨૨૪ બેઠકો પર કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાશે આ ચૂંટણીના પરિણામો ૧૩ મેના રોજ આવશે. આ ચૂંટણીમાં ભાજપે સત્તા જાળવી રાખવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે જ્યારે કોંગ્રેસે ફરીથી સત્તાધીશ થવા પ્રયત્નશીલ છે. રાજ્યની ત્રીજા સૌથી મોટા દળ જેડીએસે પણ મતદારોને રીઝવવા માટે તમામ તાકાત લગાવી દીધી છે.
૨૨૪ સભ્યોની કર્ણાટક વિધાનસભા માટેના પ્રચાર દરમિયાન તમામ રાજકીય પક્ષોના નેતાઓએ લોકોને અપીલ કરી હતી કે તેઓ ચૂંટણીમાં બહુમતી આપે જેથી તેમની પાર્ટી મજબૂત અને સ્થિર સરકાર બનાવી શકે. કર્ણાટકમાં મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો દ્વારા અપીલ કરી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે મતદાન લોક્તંત્રમાં જનભાગીદારી સુનિશ્ર્ચિત કરે છે અને તેથી વધુને વધુ લોકો મતદાન કરે તથા લોકશાહીમાં તેમની ભાગીદારી સુનિશ્ર્ચિત કરે.
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ગોવામાં ભાજપની આગેવાની હેઠળની સરકારે ૧૦ મેને પેઇડ રજા તરીકે જાહેર કરી છે, જેમાં ખાનગી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે, પ્રમોદ સાવંતના નેતૃત્વવાળી સરકારના આ નિર્ણયથી વિપક્ષી પાર્ટીઓ અને ઔદ્યોગિક એકમો ખુશ નથી.
૨૨૪ વિધાનસભા મતવિસ્તારોમાં ૫૮,૨૮૨ મતદાન મથકો બનાવવામાં આવશે. ૫૦% મતદાન મથકો પર વેબકાસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે. મહિલા અધિકારીઓ ૧૩૨૦ મતદાન મથકોનું સંચાલન કરશે.ચૂંટણીપંચ દ્વારા મતદાન માટે નવી વ્યવસ્થા શરૂ કરી છે. જેના કારણે હવે મતદારોને લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, હવે મતદારો હવે સેલ્ફીથી પણ વોટ નાંખી શકશે.. ચૂંટણી પંચ પોલિંગ બૂથ પર મતદારોની લાંબી લાઈનો ખતમ કરવા માટે ફેશિયલ રેકોગ્નિશ સિસ્ટમનો ઉપયોગ કરશે. આ માટે આયોગે એપ લોન્ચ કરી છે. જે તમે આ એપ તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશો. આ એપલિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે પહેલા તમારી જાણકારી અને ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ ડિટેલ વેરિફેક્શન થયા બાદ તમે વોટિંગ કરી શકશો.
ચૂંટણી પંચ આ પાયલોટ પ્રોજેક્ટને ટેક્નિકલી બેંગ્લુરુના એક કેન્દ્ર પર જ લાગુ કરશે. રિપોર્ટ મુજબ, આવતીકાલે ગર્વમેન્ટ રામાનારાયણ ચેલારામ કોલેજ, પૈલેસ રોડના રૂમ નંબર ૨માં જ ઉપયોગ કરવામાં આવશે. આ જગ્યા કર્ણાટકના ચીફ ઈલેક્ટોરલ ઓફિસરની ઓફસથી ખૂબ નજીક છે.છેલ્લાં ૩૮ વર્ષથી કર્ણાટકમાં સતત બે વાર કોઈ પણ પાર્ટીની સત્તા બની નથી. દર ૫ વર્ષે અહીં સરકાર બદલાય છે. ભાજપ આ પરંપરા તોડવા કમર ક્સી રહ્યો છે, તો બીજી બાજુ કોંગ્રેસ રાજ્યમાં સત્તા મેળવી લોક્સભાની ચૂંટણી પહેલાં આત્મવિશ્ર્વાસ વધારવા પ્રયાસ કરી રહ્યો છે.ઓપિનયન પોલમાં પીછેહઠ દર્શવાતા જ ભાજપે રાજ્યમાં ખાસ કરીને અંતિમ તબક્કામાં સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી હતી. જેમાં સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ૨૦થી વધુ રેલીઓ તથા બેંગાલુરૂમાં બે જંગી રોડ શો કરી મતદારોને પોતાની તરફ આકર્ષવા પ્રયાસો કર્યાં હતાં.ચૂંટણી અગાઉ કર્ણાટકમાંથી તપાસ સંસ્થાઓ દ્વારા રૂ.૩૭૫ કરોડની રોકડ સહિતની માલમત્તા જપ્ત કરાઈ છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ૨૯ માર્ચથી ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ કરાઈ હતી. જપ્ત કરાયેલી માલમત્તામાં રૂ.૧૪૭ કરોડની રોકડ, રૂ.૮૪ કરોડની કિંમતનો શરાબ, રૂ.૯૭ કરોડનું સોનું અને ચાંદી, રૂ.૨૪ કરોડની વિવિધ ચીજ-વ્સતુઓ તથા રૂ.૨૪ કરોડની કિંમતની નશીલી દવાઓનો સમાવેશ થાય છે તેમ મુખ્ય ચૂંટણી અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું. આ જપ્ત થયેલી વસ્તુઓ અંગે કુલ ૨,૮૯૬ જેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે. જ્યારે ચૂંટણની જાહેરાત અગાઉ રાજ્યમાંથી કુલ રૂ.૫૮ કરોડની માલમત્તા જપ્ત કરાઈ હતી.