કર્ણાટક વિધાનસભામાં સાવરકરના ફોટાને લઈને હોબાળો:કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યું, ભાજપે પૂછ્યું- શું દાઉદનો ફોટો લગાવવો જોઈએ?

બેંગ્લુરુ,

કર્ણાટક વિધાનસભામાં સાવરકરની તસવીર લગાવવા બદલ સોમવારે હોબાળો થયો છે. કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષે આના વિરોધમાં વિધાનસભાથી વોકઆઉટ કર્યું. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સહિત વિપક્ષના ઘણા ધાસાસભ્યોએ આ મામલે વિધાનસભાના અધ્યક્ષને ચિટ્ઠી લખી છે. ચિટ્ઠીમાં માગ કરવામાં આવી છે કે, ગૃહમાં વાલ્મીકિ, બાસવન્ના, કનકદાસ, બીઆર આંબેડકર, સરદાર પટેલના ફોટા લગાવવામાં આવે.

કોંગ્રેસના વિરોધને લઈને ભાજપે વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રહ્રાદ જોશીએ કહ્યું- વૈચારિક મતભેદ હોવો જોઈએ, પરંતુ સાવરકર એક સ્વતંત્ર સેનાની હતા. જો તેમની તસવીર ન લગાવવામાં આવે, તો શું દાઉદ ઈબ્રાહિમની લગાવવામાં આવે?

કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, આ કોઈ વિરોધ નથી. આ માત્ર અમારી માગ છે કે, તમામ રાજકીય નેતાઓ અને સમાજ સુધારકોના ફોટા વિધાનસભા હોલમાં લગાવવામાં આવે. સાથે જ વિધાનસભા અધ્યક્ષે વિધાનસભામાં વીર સાવરકરની તસવીર લગાવવાનો એક્તરફી નિર્ણય કર્યો છે.

તેમણે વધુ ઉમેર્યું- હું કોઈની તસવીર લગાવવાની વિરુદ્ધમાં નથી, પરંતુ આ બધા સાથે સરકાર કાયદો અને વ્યવસ્થા જેવા વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માંગે છે.

કર્ણાટક કોંગ્રેસ ચીફ અને ધારાસભ્ય ડીકે શિવકુમારે રાજ્ય સરકાર પર આ પ્રકારના પગલાને લઈ કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાનો આરોપ લગાવ્યો હતો. શિવકુમારે કહ્યું કે, આપણી વિધાનસભાની કાર્યવાહી ન થવી જોઈએ. તેઓ આ તસવીર એટલા માટે લાવ્યા છે કારણ કે અમે તેમની સામે ભ્રષ્ટાચારના ઘણા મુદ્દા ઉઠાવવાના છીએ. તેમની પાસે વિકાસનો કોઈ એજન્ડા નથી.

બેલગાવી પોલીસે મહારાષ્ટ્ર એકીકરણ સમિતિને મહામેળા સંમેલન આયોજિત કરવા મંજૂરી ન આપી. તે જ સમયે, મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ અને CM ના સભ્યો સરહદ વિવાદને લઈને કોગનોલી ટોલ પ્લાઝા પાસે વિરોધ કરી રહ્યા છે. અહીં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે, તેમ છતાં લોકો ભીડ ભેગી કરીને વિરોધ કરી રહ્યા છે. ભારે પોલીસ ફોર્સ અહીં હાજર છે.

જો કે, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે પ્રથમ વખત કેન્દ્રીય ગૃહ પ્રધાને આંતરરાજ્ય સરહદ વિવાદ (મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે) મધ્યસ્થી કરી છે. હવે આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. આપણે સરહદી રહેવાસીઓની સાથે ઊભા રહેવું જોઈએ.