- કર્ણાટકના ૮૬૫ મરાઠીભાષી ગામડાને સામેલ કરવાનો મહારાષ્ટ્રે પ્લાન બનાવ્યો.
- ઉદ્ધવ ઠાકરેએ એક માગણી સાથે ઠરાવનું સમર્થન કર્યું.
મુંબઇ,
ભાજપ શાસિત કર્ણાટક અને ભાજપનું સમર્થન ધરાવતી મહારાષ્ટ્ર સરકાર વચ્ચે સીમા વિવાદ વધુ ભડક્યો છે. હવે મહારાષ્ટ્ર વિધાનસભાએ કર્ણાટકના ૮૬૫ મરાઠી ભાષી ગામડાને કાનૂની રીતે મહારાષ્ટ્રમાં ભેળવી દેવા માટે સર્વસંમતીથી એક ઠરાવ પસાર કર્યો છે.
કર્ણાટક વિધાનસભાએ રાજ્યના હિતોનું રક્ષણ કરવા અને પાડોશી રાજ્યને એક ઇંચ પણ જમીન ન આપવાનો ઠરાવ પસાર કર્યાના થોડા દિવસો બાદ આ મહારાષ્ટ્ર સરકારે આ પગલું ભર્યું છે. કર્ણાટકના ઠરાવમાં મહારાષ્ટ્ર દ્વારા ’સજત’ સરહદ વિવાદની પણ નિંદા કરવામાં આવી હતી. વિરોધ પક્ષના ઉદ્ધવ ઠાકરેએ પણ આ ઠરાવને સમર્થન આપ્યું છે. પરંતુ તેમણે એક માગણી પણ મુકી હતી.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કર્ણાટકના પગલાની નિંદા કરવા માટે વિધાનસભાના બંને ગૃહોમાં ઠરાવ દાખલ કર્યો હતો અને પડોશી રાજ્ય પર હેતુપૂર્વક સરહદ વિવાદને વેગ આપવાનો આરોપ મૂક્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભામાં પસાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર મરાઠી ભાષી લોકો રહે તેવા ૮૬૫ ગામડા તથા બેલગામ, કારવાર, નિપાની, બિદર અને ભાલ્કીના લોકોના સંપૂર્ણ સમર્થનમાં છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં પણ લડાઈ ચાલે છે. રાજ્ય સરકાર બેલગામ, કારવાર બિદર, નિપાની, ભાલકી સહિતના શહેરો અને કર્ણાટકના મરાઠી ભાષી ૮૬૫ ગામોની દરેક ઇંચ જમીનનો મહારાષ્ટ્રમાં સમાવેશ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ લડશે.
મહારાષ્ટ્રના ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે બંને રાજ્યોના મુખ્ય પ્રધાનો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા, ત્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આ મામલામાં પોતાનો ચુકાદો ન આપે ત્યાં સુધી તે સુનિશ્ર્ચિત કરવું જોઈએ કે આ મુદ્દો વધુ વકરે નહીં. જો કે, કર્ણાટક સરકારે તેની રાજ્ય વિધાનસભામાં એક ઠરાવ પસાર કરીને વિપરીત વલણ અપનાવ્યું છે. ઠરાવમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારે કર્ણાટક સરકારને સરહદી વિસ્તારોમાં મરાઠી લોકોની સુરક્ષાની ખાતરી આપવા માટે આદેશ આપવો જોઈએ. મંત્રી અબ્દુલ સત્તારના રાજીનામાની વિપક્ષની માંગ વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભા દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું કે આ કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે અને તે પણ સુનિશ્ર્ચિત કરવું પડશે કે માંગણી રજૂ કરતી વખતે કોર્ટની અવમાનના ન થાય, કારણ કે આ મામલો ન્યાયાધીન છે.
સરહદનો મુદ્દો છેક ૧૯૫૭નો છે. તે સમયે ભાષાના આધારે રાજયોનું પુર્નગઠન કરવામાં આવ્યું હતું તત્કાલીન મહારાષ્ટ્ર સરકારે કર્ણાટક સાથેની તેની સરહદને પુર્નગઠન કરવાની માંગ કરી હતી. આ પછી બંને રાજ્યો દ્વારા ચાર સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. મહારાષ્ટ્રે બેલાગવી પર દાવો કર્યો હતો, કારણ કે તે અગાઉના બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ હતો અને તેમાં મોટી સંખ્યામાં મરાઠી ભાષી વસ્તી છે. તેને ૮૦૦થી વધુ મરાઠી-ભાષી ગામો પર પણ દાવો કર્યો જે હાલમાં કર્ણાટકનો ભાગ છે.
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)એ મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટ આ મુદ્દે ચુકાદો ન આપે ત્યાં સુધી ૮૬૫ ગામોને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવે. જોકે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી તરીકે ૨.૫ વર્ષ સુધી કંઈ કર્યું નથી. સરહદનો વિવાદ અમારી સરકાર સત્તા પર આવી તે પહેલાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અગાઉની સરકાર વર્ષોથી ચાલી રહેલા સરહદ વિવાદ માટે એકનાથ શિદને સરકારને જવાબદાર બનાવી રહી છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યની એક ઇંચ જમીન પણ મહારાષ્ટ્રને આપવામાં નહીં આવે. બેલગાવી મુદ્દે મહારાષ્ટ્ર વિધાનસભામાં કરાયેલા ઠરાવના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ’કર્ણાટક સરકાર તેની જમીનના દરેક ટુકડાનું રક્ષણ કરવા કટિબદ્ધ છે.’ કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બેલગાવી મુદ્દે ઘર્ષણ ચાલી રહ્યું છે. બેલગાવીના કેટલાક ભાગોમાં નોંધપાત્ર પ્રમાણમાં મરાઠી લોકોની વસ્તી છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ’મહારાષ્ટ્રની વિધાનસભામાં થયેલા ઠરાવનું કોઈ મૂલ્ય નથી.’ તેમણે દાવો કર્યો હતો કે, ’સુપ્રીમ કોર્ટમાં તેમનો (મહારાષ્ટ્ર) કેસ નબળો હોવાથી તે આવું કરી રહ્યા છે. કર્ણાટક વિધાનસભાનો ઠરાવ બહુ સ્પષ્ટ છે અને રાજ્યએ અપનાવેલું વલણ બંધારણ અને કાયદાની રીતે યોગ્ય છે.’