
એક તરફ કર્ણાટક સરકાર રાજ્યને ભંડોળ ફાળવવામાં કથિત બેદરકારીને લઈને કેન્દ્ર સામે વિરોધ કરી રહી છે. બીજી તરફ જૂની લોનની વસૂલાત થઈ રહી નથી. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલએ કહ્યું કે રાજ્ય સરકારે વિવિધ સંસ્થાઓને આપવામાં આવેલી રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુની જૂની લોન વસૂલ કરી નથી.
સીએજીએ કર્ણાટક વિધાનસભામાં ફાઇનાન્સ એકાઉન્ટ્સ ૨૦૨૨-૨૩ પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો.અહેવાલમાં કહેવામાં આવ્યું કે કેટલીક જૂની લોન ૧૯૭૭થી પેન્ડિંગ છે.જેમાં ઘણી લોન રાજ્ય સરકારના જ વિભાગો સાથે સંબંધિત છે.
સીએજીએ કહ્યું કે, ’રાજ્ય સરકારના આઠ વિભાગોને લગતી રૂ. ૧૦,૩૮૯.૭૮ કરોડની જૂની લોનના સંદર્ભમાં મૂળ રકમ પણ છેલ્લા ઘણા વર્ષોથી વસૂલ કરવામાં આવી નથી. તેમાં ૧૯૭૭થી બાકી રહેલી લોનનો પણ સમાવેશ થાય છે.
આ અહેવાલ મુજબ, ૨૧ દેવાદાર સંસ્થાઓ પાસે રૂ. ૧૫,૮૫૬ કરોડનું બાકી છે, જેમાં રૂ. ૯,૩૮૦ કરોડની મૂળ રકમનો સમાવેશ થાય છે. સૌથી જૂની બાકી લોન ૧૯૭૭ની છે, જે બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સુએજ બોર્ડ અને કર્ણાટક સ્ટેટ સીડ કોર્પોરેશન લિમિટેડને આપવામાં આવી હતી.