કર્ણાટકના યાદગીરી જીલ્લામાં કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, ૫ના મોત, ૧૩ ઘાયલ

બેંગ્લુરૂ, કર્ણાટકના યાદગીરી જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં એક કાર રોડની સાઈડ પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા હતા અને ૧૩ લોકો ગંભીર રીતે ઘાયલ છે. યાદગીરીના ડેપ્યુટી એસપીએ જણાવ્યું કે અકસ્માત બાલીચક્ર ક્રોસ પાસે થયો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

રિપોર્ટ મુજબ મૃત્યુ પામેલા તમામ લોકો આંધ્રપ્રદેશના નંદ્યાલ જિલ્લાના વેલાગોડુ ગામના રહેવાસી હતા. આ તમામ ખ્વાજા બંધેનવાઝ ઉર્સમાં હાજરી આપવા માટે કર્ણાટકના કલબુર્ગી જઈ રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના મંગળવારે ૬ જૂન સવારે ૪ વાગ્યે થઈ હતી જ્યારે ૧૮ લોકોને લઈને જઈ રહેલું એક ક્રૂઝર કાર એક ટ્રક સાથે અથડાયી હતી.

માહિતી મળતાની સાથે જ યાદગીરીના ડેપ્યુટી એસપી બસવેશ્ર્વર અને સૈદાપુરના પોલીસ ઈન્સ્પેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાયચુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS)માં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.