કર્ણાટકના મંત્રીએ કહ્યું- ભેંસને મારી શકીએ, તો ગાય કેમ નહીં:

બેંગ્લોર, કર્ણાટકમાં ગૌહત્યા પર પ્રતિબંધ છે. આ અંગે નવી સરકારમાં પશુપાલન મંત્રી કે વેંકટેશ કહે છે કે, જ્યારે ભેંસની ક્તલ થઈ શકે છે તો ગાયની કેમ નહીં. ગૌહત્યા સંરક્ષણ કાયદામાં ફેરફારનો સંકેત આપતા મંત્રીએ આ નિવેદન આપ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર ગૌહત્યા નિવારણ અને પશુ સંરક્ષણ બિલ, ૨૦૨૦માં સુધારા પર વિચાર કરી રહી છે. આ બિલ ૨૦૨૧માં ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવ્યું હતું.

તેમની દલીલને યોગ્ય ઠેરવતા પશુપાલન મંત્રીએ કહ્યું કે ખેડૂતને વૃદ્ધ ઢોર રાખવાની અને મૃત પશુઓને લઈ જવાની સમસ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેમને હાલમાં જ તેના ફાર્મહાઉસમાંથી મૃત ગાયને કાઢવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બીએસ યેદિયુરપ્પાની અગાઉની ભાજપ સરકારે ૨૦૧૦ અને ૨૦૧૨માં ૧૯૬૪ના કાયદામાં સુધારો કરીને બે બિલ રજૂ કર્યા હતા. સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની તત્કાલીન કોંગ્રેસ સરકારે ૨૦૧૪માં આ બિલો પાછા ખેંચી લીધા હતા. નવા બિલમાં ૧૩ વર્ષથી ઓછી ઉંમરની ગાય, વાછરડા, બળદ અને ભેંસના ક્તલ પર પ્રતિબંધ છે.

સુધારેલા બિલમાં, ભાજપે પશુઓની વ્યાખ્યાને વિસ્તૃત કરી હતી, સજાને કડક બનાવી હતી અને પશુઓના ક્તલ માટે વય મર્યાદામાં વધારો કર્યો હતો. ૨૦૨૦ના બિલે પોલીસ અધિકારીઓને જગ્યાની તપાસ કરવાની અને પ્રાણીઓની ગેરકાયદે ક્તલ માટે ઉપયોગમાં લેવાતા ઢોર અને સામગ્રીને જપ્ત કરવાની સત્તા આપી છે, જેમાં પ્રથમ ગુના માટે ત્રણથી સાત વર્ષની જેલ અને રૂ. ૫૦,૦૦૦થી રૂ. ૫ લાખ સુધીનો દંડ છે.

કર્ણાટક હવે દેશનું ૨૧મું રાજ્ય છે જ્યાં ગૌહત્યા પર પ્રતિબંધ છે. અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ સહિત ૨૦ રાજ્યોમાં ગૌહત્યા ગુનાની શ્રેણીમાં આવી ચુકી છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં હજુ પણ તેના પર સંપૂર્ણ પ્રતિબંધ નથી.

અલ્હાબાદ હાઈકોર્ટે બે વર્ષ પહેલા એક કેસની સુનાવણી દરમિયાન ગાયને લઈને મોટી ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે ગાય સંરક્ષણને કોઈ ધર્મ સાથે જોડવાની જરૂર નથી. ગાયને હવે રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવી જોઈએ. કેન્દ્ર સરકારે આ અંગે વિચાર કરવાની જરૂર છે.