- ૧૦ વર્ષની ઉંમર સુધી શાળાએ જઈ શક્યા નહોતા.
બેંગલુરુ, સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ અગાઉ ૨૦૧૩થી ૨૦૧૮ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તેમની અહીં સુધી પહોંચવાની કહાની સંઘર્ષભરી અને રસપ્રદ છે. ખેડૂત પરિવારમાં જન્મેલા સિદ્ધારમૈયાએ મૈસૂર યુનિવર્સિટીમાંથી બીએસસી અને કાયદાનો અભ્યાસ કર્યો હતો. કોલેજના દિવસોથી જ તેઓ પોતાની બોલવાની છટાને કારણે ફેમસ થવા લાગ્યા હતા. તેમની પ્રતિભા જોઈને વરિષ્ઠ વકીલ નંજુદા સ્વામીએ તેમને મૈસૂર તાલુકામાંથી ચૂંટણી લડવાની સલાહ આપી અને તેઓ જીત્યા. વર્ષ ૧૯૮૩માં ભારતીય લોકદળ પાર્ટી તરફથી પ્રથમ વિધાનસભા ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા. આ જીતે બધાને આશ્ર્ચર્યચક્તિ કરી દીધા, કારણ કે તેમની પાસે કોઈ ખાસ રાજકીય પૃષ્ઠભૂમિ નહોતી અને એ સમયે તેઓ માત્ર ૩૬ વર્ષના હતા. સિદ્ધારમૈયા પોતાની પાસે મોબાઈલ ફોન રાખતા નથી.
૧૯૮૫માં એટલે કે માત્ર ૩૮ વર્ષની ઉંમરે તેમને મંત્રીપદ પણ મળ્યું. પરંતુ ૧૯૮૯માં તેઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. તેઓ જનતા દળમાં હતા ત્યારે ૧૯૯૬માં નાયબ મુખ્યમંત્રી બન્યા. આ પછી ૨૦૦૪માં તેઓ ફરીથી જેડીએસ અને કોંગ્રેસ સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. બાદમાં જેડીએસના વડા એચડી દેવગૌડા સાથે મતભેદ થતાં તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમણે પોતાની પાર્ટી બનાવવાનું વિચાર્યું, પરંતુ ૨૦૦૮માં કોંગ્રેસમાં જોડાયા. ૨૦૧૩થી ૨૦૧૮ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. સિદ્ધારમૈયાએ તેમની રાજકીય કારકિર્દીમાં ૧૨ વિધાનસભા ચૂંટણી લડી છે, જેમાંથી તેમણે ૯માં જીત મેળવી છે.
સિદ્ધારમૈયાએ ઘણાં વર્ષો સુધી જુનિયર વકીલ તરીકે પણ કામ કર્યું. વિદ્યાર્થી જીવનમાં સિદ્ધારમૈયા ડૉ. રામ મનોહર લોહિયાના સમાજવાદથી પ્રભાવિત હતા. રાજકીય વિરોધીઓએ પણ તેમને નાસ્તિક કહ્યા, જેના પર તેમણે પોતે સ્પષ્ટતા કરવી પડી હતી. તેમણે કહ્યું હતું કે હું નાસ્તિક નથી, હું ધાર્મિક પરંપરાઓ અને સંસ્કારોનું પાલન કરવામાં માનું છું. હું તિરુપતિ અને પુરુષ મહાદેશ્ર્વર બેટ્ટા પણ ગયો છું, પણ હું ભગવાનની શોધમાં હિમાલયમાં નથી જતો. હું દરેક વસ્તુને વૈજ્ઞાનિક અને ધાર્મિક દૃષ્ટિકોણથી જોઉં છું. કેટલાક લોકો મને ધર્મવિરોધી તરીકે રજૂ કરે છે. તમારાં પાપ હંમેશાં પાપી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાથી અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી મારવાથી ધોવાશે નહીં.
સિદ્ધારમૈયા ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમની ગામડાની પરંપરા છે કે જે પરિવાર સિદ્ધ રામેશ્ર્વર અથવા શિવ મંદિર માટે જમીન ખેડશે તેણે તેના એક પુત્રને મંદિરના વીરા મક્કલુ અથવા બહાદુર બાળકો તરીકે સમર્પિત કરવો પડશે. એટલા માટે પિતાએ સિદ્ધારમૈયાને મંદિરમાં સોંપી દીધા હતા. આ કારણસર સિદ્ધારમૈયા દસ વર્ષની ઉંમર સુધી શાળાએ જઈ શક્યા નહોતા. જોકે તેમણે મંદિરમાં રહીને બે વર્ષ સુધી લોકકલા શીખી. તેમણે પાંચમા ધોરણમાં શાળામાં એડમિશન લીધું. તેમનાં પત્નીનું નામ પાર્વતી સિદ્ધારમૈયા છે. રાકેશ તેમનો મોટો પુત્ર હતો, જેનું ૩૯ વર્ષની વયે બેલ્જિયમમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે અવસાન થયું હતું. નાનો પુત્ર યતીન્દ્ર રાજકારણમાં છે.
આ સાથે જ ભાજપના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ વિરુદ્ધના નિવેદને વિવાદ સર્જ્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક લિંગાયત મુખ્યમંત્રીએ હંમેશાં ભ્રષ્ટાચારના કારણે રાજ્યને બરબાદ કર્યું છે. આનો વિરોધ કરતાં ભાજપના નેતાઓએ સમગ્ર લિંગાયત સમુદાયનું અપમાન કરવાની વાત કરી હતી. આ અંગે તેમણે સ્પષ્ટતા પણ કરવી પડી હતી.