કર્ણાટકના બેલ્લારીમાં એક જ્વેલર પાસેથી પોલીસે કુલ ૭ કરોડ ૨૧ લાખ રૂપિયા રોકડા, સોનાની ઈંટો અને ઝવેરાત જપ્ત કર્યા

  • નરેશ સોની નામના જ્વેલર પાસેથી આટલી મોટી રોકડ અને દાગીના જપ્ત કરવામાં આવ્યા

બેલ્લારી, કર્ણાટકના બેલ્લારીમાં દરોડા દરમિયાન એક જ્વેલર પાસેથી મોટી રકમ અને દાગીના મળી આવ્યા હતા. અહેવાલ છે કે બેલ્લારીમાં, પોલીસે એક ઝવેરી પાસેથી કુલ ૭ કરોડ ૨૧ લાખ રૂપિયા રોકડ અને ઘરેણાં જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલી રોકડ અને દાગીનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસના ટેબલ પર ૬-૬ નોટોના ઢગલા જોવા મળે છે. વીડિયોમાં આ નોટોની બાજુમાં જવેલરીથી ભરેલી અનેક બોરીઓ હતી અને સોનાની અનેક ડઝન મોટી ઈંટો પણ રાખવામાં આવી હતી.

આ દરોડા અંગે પોલીસે જણાવ્યું હતું કે નરેશ સોની નામના જ્વેલર પાસેથી આટલી મોટી રોકડ અને દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલ સામગ્રીમાંથી ૫ કરોડ ૬૦ લાખ રૂપિયા રોકડા છે. જ્યારે પોલીસે દરોડા દરમિયાન ઝવેરીની પૂછપરછ કરી ત્યારે નરેશ સોની પાસે આટલી મોટી રકમ અને દાગીના અંગેના પૂરતા દસ્તાવેજો મળ્યા ન હતા, ત્યારબાદ ચૂંટણી અધિકારીની સૂચનાથી આ તમામ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

આ પહેલા આજે તમિલનાડુની રાજધાની ચેન્નાઈના તાંબરમ રેલ્વે સ્ટેશન પરથી પણ મોટી રકમ જપ્ત કરવામાં આવી હતી. અધિકારીઓએ અહીંથી ૪ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ૬ બેગમાં આ રોકડ લઈ જવાનો પ્રયાસ કરતા ૩ લોકોની અટકાયત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ કેસમાં ભાજપના સભ્ય અને ખાનગી હોટલના મેનેજર સતીશ, તેના ભાઈ નવીન અને ડ્રાઈવર પેરુમલની અટકાયત કરવામાં આવી છે.

આના બે દિવસ પહેલા કર્ણાટક એક્સાઈઝ વિભાગે મૈસુર ગ્રામીણ જિલ્લાના ચામરાજનગર લોક્સભા મતવિસ્તારમાંથી ૯૮.૫૨ કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો. ચૂંટણી પંચે આ માહિતી આપી છે. આવકવેરા વિભાગ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ (એસએસટી) એ પણ ૩.૫૩ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. પંચના જણાવ્યા અનુસાર, ગુરુવારે ચામરાજનગરમાંથી ૯૮.૫૨ કરોડ રૂપિયાની ૧.૨૨ કરોડ લીટર બિયર જપ્ત કરવામાં આવી હતી. કમિશને કહ્યું કે આવકવેરા વિભાગે બેંગલુરુ ઉત્તર લોક્સભા મતવિસ્તારમાંથી ૨.૨૦ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન, કલબુર્ગી જિલ્લાના ગુલબર્ગા લોક્સભા મતવિસ્તારમાંથી ૩૫ લાખ રૂપિયા અને ઉડુપી-ચિક્કમંગલુરુ મતવિસ્તારમાંથી ૪૫ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. કર્ણાટકમાં ૨૬ એપ્રિલ અને ૭ મે એમ બે તબક્કામાં મતદાન થવાનું છે.