
બેંગલુરુ, કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે ૨૦૦ યુનિટ ફ્રી વીજળીનું વચન આપ્યા પછી હવે વીજળીના ભાવમાં કમરતોડ વધારો કરતાં ગુરુવારે વેપારીઓ અને નાના ઉદ્યોગોએ રાજ્યભરમાં હડતાલ પાડીને ઉગ્ર વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં. કર્ણાટક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આપેલા બંધના એલાનને પગલે નાના ઉદ્યોગના માલિકો અને વેપારીઓએ મોટી સંખ્યામાં વિરોધ રેલીમાં ભાગ લીધો હતો.
વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ હુબલી-ધારવાડ, બેલગાવી, બેલ્લારી અને વિજયનગર સહિતના જિલ્લાઓમાં રેલીઓ કાઢી હતી. રાજ્યના ઉદ્યોગ મંત્રી એમ બી પાટીલે સરકારને સહકાર આપવા અપીલ કરીને જણાવ્યું હતું કે કે રાજ્ય સરકારે નહીં, પરંતુ કર્ણાટક ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનએ વીજળીના દરોમાં વધારો કર્યો છે. કર્ણાટક રાઇસ મિલર્સ એસો.એ રાજ્યમાં ચોખાના ભાવમાં પ્રતિ કિલો રૂ.૩થી ૪નો વધારો કરવાનો સંકેત આપ્યો હતો. રાજ્ય સરકારે રહેણાંક જોડાણો માટે ૨૦૦ યુનિટ સુધીની મફત વીજળી ઓફર કરતી ’ગૃહ જ્યોતિ’ યોજના માટે નોંધણી શરૂ કરી કરી છે ત્યારે આ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.કેસીસીઆઇના સંદીપ બિડાસરિયાએ દાવો કર્યો હતો કે પાવર ટેરિફમાં ૫૦ થી ૭૦ ટકા વચ્ચે વધારો થયો છે, તેનાથી નાના ઉદ્યોગોને ફટકો પડ્યો છે.