મેંગલોર,કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કર્ણાટકના ઉડુપી જિલ્લાના ઉચિલા ખાતે માછીમારો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે જો કર્ણાટકમાં અમારી સરકાર બનશે તો તે માછીમારોને ૧૦ લાખ રૂપિયાનો વીમો આપશે. આ સાથે તેમણે માછીમારોને ૧ લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપવાનો પણ વાયદો કર્યો. રાહુલે કહ્યું કે દરરોજ ૫૦૦ લીટર સુધી ડીઝલ પર ૨૫ રૂપિયા પ્રતિ લીટર સબસીડી આપવામાં આવશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કર્ણાટકની બે દિવસીય મુલાકાતે રવિવારે હુબલી પહોંચ્યા હતા. અહીંથી તેઓ બાગલકોટ ગયા, જ્યાં તેમણે ૧૨મી સદીના કવિ અને સમાજ સુધારક બસવેશ્ર્વરાની જન્મજયંતિ પર કુદાલ સંગમમાં હાજરી આપી. આ સમારોહ બાદ રાહુલે વિજયપુરામાં જન સંપર્ક માટે રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન રાહુલે કહ્યું કે ભાજપ સરકાર ભારતની સૌથી ભ્રષ્ટ સરકાર છે, જે દરેક કામ માટે ૪૦ ટકા કમિશન લે છે.
રાહુલ ગાંધી બાગલકોટના સંગમનાથ મંદિર પહોંચ્યા અને કુદાલ સંગમમાં પૂજા અર્ચના કરી. કર્ણાટક પહોંચતા જ હુબલી એરપોર્ટ ખાતે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ સીએમ જગદીશ શેટ્ટાર સૌથી પહેલા રાહુલને મળવા પહોંચ્યા.આ પહેલા કોંગ્રેસના નેતા ૧૬ એપ્રિલે ’જય ભારત’ કાર્યક્રમમાં ભાગ લેવા કર્ણાટક ગયા હતા. અહીં કોલારમાં તેમણે જનસભાને સંબોધી હતી. આ દરમિયાન રાહુલે કહ્યું હતું કે સવાલ પૂછવા પર તેમણે મારૂં સંસદ સભ્યપદ છીનવી લીધું. પરંતુ હું હજુ પણ પૂછી રહ્યો છું કે પીએમ મોદી અને અદાણી વચ્ચે શું સંબંધ છે.
રાહુલ ગાંધીએ ૧૬ એપ્રિલે કોલારમાં એક જાહેર સભામાં કહ્યું હતું – જો કર્ણાટકમાં અમારી સરકાર બનશે તો દરેક પરિવારને ૨૦૦ યુનિટ મફત વીજળી મળશે. મહિલાઓને દર મહિને ૨૦૦૦ રૂપિયા અને કર્ણાટકના દરેક સ્નાતકને ૨ વર્ષ માટે સૌથી મહત્વપૂર્ણ યુવા ફંડ ૩૦૦૦ હજાર રૂપિયા આપવામાં આવશે. આ સિવાય અમારી સરકાર દરેક ડિપ્લોમા ધારકને ૧૫૦૦ રૂપિયા આપશે. હું વચન આપું છું કે સરકાર બનતાની સાથે જ પ્રથમ બેઠકમાં આ વચનો પૂરા કરવામાં આવશે.