
બેંગ્લુરુ, ભારતીય જનતા પાર્ટી ના નેતા અને પૂર્વ ધારાસભ્ય મુરુગેશ નિરાનીના દાવાએ ફરી એકવાર કર્ણાટકના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમણે વિજયપુરામાં જણાવ્યું હતું કે કોંગ્રેસના ઓછામાં ઓછા ૫૦ ધારાસભ્યો બહુ ઝડપથી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ભાજપના નેતાના આ નિવેદન પર ઉદ્યોગ મંત્રી એમબી પાટીલે પણ વળતો પ્રહાર કર્યો છે.
નિરાનીએ કહ્યું, “સત્તાધારી કોંગ્રેસમાં ચાર છાવણીઓ છે, જેમાંથી દરેક ડેપ્યુટી સીએમની માંગ કરી રહી છે. વહીવટીતંત્ર પણ એક થવા માટે કોઈ પ્રયાસ કરી રહ્યું નથી. વિકાસ માટે પૈસા નથી અને આ સરકાર થોડા મહિનામાં પડી જશે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો આ વાત જાણે છે અને તેથી જ તેઓ ભાજપમાં જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મુરુગેશ નિરાનીના આ નિવેદનનો જવાબ આપતા ઉદ્યોગ મંત્રી એમબી પાટીલે કહ્યું કે, “જો ભાજપ કોંગ્રેસના એક ધારાસભ્યને તોડવાનો પ્રયાસ કરશે તો કોંગ્રેસ ભાજપના ઓછામાં ઓછા ૨૫ ધારાસભ્યોને પણ તોડી નાખશે.” તેમણે વધુમાં કહ્યું, “અમારી પાસે પહેલાથી જ ૧૩૬ ધારાસભ્યો સાથે પૂર્ણ બહુમતી છે. જો ભાજપ અમારા ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરશે તો અમે ભાજપના ૨૫ ધારાસભ્યોને પણ અમારી પાર્ટીમાં સામેલ કરીશું. આવી સ્થિતિમાં અમારી સંખ્યા ૧૫૦ કે ૧૬૦ સુધી પહોંચી જશે.
અગાઉ ભાજપના નેતા રમેશ જરકીહોલીએ પણ મુરુગેશ નિરાની જેવો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સિદ્ધારમૈયા સરકારને બહારથી નહીં પરંતુ પાર્ટીની અંદરથી જ ખતરો છે. તેમણે દાવો કર્યો હતો કે, “કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર સાથે પણ એવું જ થશે જે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર સાથે થયું હતું. નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર અને કંપની સરકારને પછાડવા માટે જવાબદાર હશે.