બેંગલુરુ, પૂરપાટ વેગે જતી એક કાર ચિક્કાબલ્લાપુરા નગરની હદ પર આવેલા હાઈવે અન્ડરપાસ નજીક ઊંધી વળી ગયા બાદ ખાઈમાં પડી જતાં તેમાં સફર કરી રહેલાં ચાર કોલેજ વિદ્યાર્થીનાં કરૂણ મરણ નિપજ્યા હતા. આ ઘટના ગઈ કાલે રાતે બની હતી. વિદ્યાર્થીઓ બેંગલુરુથી ચિક્કાબલ્લાપુરા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
કાર વધારે પડતી સ્પીડમાં જતી હતી અને ડ્રાઈવ કરનાર વિદ્યાર્થી સ્ટીયરિંગ પરનો અંકુશ ખોઈ બેસતાં કાર ઊંધી વળી ગઈ હતી અને એક ખાઈમાં પડી ગઈ હતી. ત્રણ વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. એક જણ ગંભીર રીતે ઈજા પામ્યો હતો. એને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો.