કર્ણાટકમાં પ્રોફેસરે વિધર્મી વિદ્યાર્થીને આતંકવાદી સાથે સરખાવતાં વિવાદ થયો, પ્રોફેસર સસ્પેન્ડ કરાયા

બેંગ્લુરુ,

કર્ણાટકના ઉડ્ડુપીમાં આવેલી મણિપાલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં એક પ્રોફેસર અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થીએ તે પ્રોફેસર પર આરોપ લગાવ્યો હતો કે તેઓએ તેને આંતકવાદીના નામથી કેમ સંબોધીને બોલાવ્યો હતો. તે વિદ્યાર્થી વિધર્મી હતો અને તેનું નામ પૂછતા તે પ્રોફેસરે તેને ક્સાબ સાથે સરખાવ્યો હતો. આનો એક વીડિયો પણ વાઇરલ થયો છે.

આ વીડિયોમાં તે વિદ્યાર્થીએ તે પ્રોફેસર પર આરોપ લગાવતા જણાવે છે કે ’તમે મને આતંકવાદીના નામેથી કેવી રીતે બોલાવી શકો છો? એ પણ આટલા લોકોની સામે, ક્લાસમાં? તમે પ્રોફેસર છો, તમે અમને બધાને ભણાવી રહ્યા છો.’

મણિપાલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજીમાં એક વિદ્યાર્થી અને પ્રોફેસર વચ્ચેનો એક વીડિયો આજે વાઇરલ થયો છે. જેમાં એક વિધર્મી વિદ્યાર્થીનું નામ સાંભળતા જ પ્રોફેસરે કહ્યું હતું કે ’અરે તું તો ક્સાબ જેવો છે’.

જેના પછી તે વિધર્મી વિદ્યાર્થીએ વિરોધ કર્યો હતો, અને પ્રોફેસરને નારાજ થતા પૂછ્યું હતું કે ’સર આ મજાક નથી. તમે મને આતંકવાદીના નામથી ના બોલાવી શકો. શું તમે તમારા પુત્ર સાથે આવી રીતે વાત કરશો? તમે મને આવી રીતે કેમ બોલાવી શકો, એ પણ આટલા લોકોની સામે, ક્લાસમાં? તમે પ્રોફેસર છો, તમે અમને ભણાવો છો.’ તે વિદ્યાર્થીએ વિરોધ કરતા તે પ્રોફેસરે સોરી કહ્યું હતું. તો તેનો જવાબ આપતા તે વિદ્યાર્થીએ કહ્યું હતું કે ’આ સોરી એ નહિ બદલે કે તમે શું વિચારો છો અથવા તો તમે પોતાને અહીં કેવી રીતે રજૂ કરો છો.’

આ વિશેનો વિવાદ વધતા અને સોશિયલમાં ભારે વિરોધ થતા એવા સમાચાર આવી રહ્યા છે કે તે પ્રોફેસરને હાલમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાલ સંસ્થાએ પણ જણાવ્યું છે કે આ વિશે તપાસ કરી રહ્યા છે. અને વધુમાં એ પ્રમાણે યોગ્ય પગલાં લેવામાં આવશે. તે વિદ્યાર્થી સાથે પણ વાત કરવામાં આવી છે.

આ વિડિયો, જે હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, નેટીઝન્સે પણ આનો ખૂૂબ જ વિરોધ કરવામાં આવ્યો છે, જેમણે વિદ્યાર્થીની હિંમતને બિરદાવી હતી અને એક શૈક્ષણિક સંસ્થામાં આવી ટિપ્પણી કરવા માટે શિક્ષકની નિંદા કરી હતી. ’તેને પોતાના માટે અવાજ ઉઠાવતા જોઈને ખૂબ આનંદ થયો. ઘણા લાંબા સમયથી લોકોને સહન કરવાનું શીખવવામાં આવ્યું છે. પરંતુ કોઈએ પણ ભેદભાવ, પૂર્વગ્રહ ખાસ કરીને શિક્ષકથી આવો ભેદભાવ સહન ન કરવો જોઈએ; એક એવી વ્યક્તિ કે જેણે તેના વિદ્યાર્થીઓ અને તેનાથી ઉપરના લોકો માટે યોગ્ય ઉદાહરણ સેટ કરવાનું માનવામાં આવે છે.’ એક યૂઝરે લખ્યું હતું કે ’એક કટ્ટર અને દાદાગીરી સામે ઊભા રહેવા બદલ તે બાળક ખૂબ જ હિંમતવાન છે.’ તો અન્ય નેટીઝને લખ્યું છે કે ’નવાઈની વાત છે કોઈ પણ સહપાઠી બોલતા દેખાતા નથી. બધાએ માથું નીચું કરીને સાંભળી રહ્યા છે. લઘુમતીઓ સામે નફરત પ્રત્યે અસંવેદનશીલ સમાજ આવો દેખાય છે.’