કર્ણાટકના મંડ્યાના પાંડવપુરા જિલ્લા પાસે તેમની કાર નહેરમાં પડી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. પોલીસને માહિતી મળ્યા બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મંડ્યાના ડેપ્યુટી કમિશનર કુમારે જણાવ્યું હતું કે વિશ્ર્વેશ્ર્વરાય નહેરમાંથી પાંચ મૃતદેહો અને શિવમોગા જિલ્લાના રજીસ્ટ્રેશન નંબરવાળી એક કાર મળી આવી છે. તેમણે કહ્યું, પ્રથમ દૃષ્ટિએ આ ખરાબ ડ્રાઇવિંગનો કેસ હોવાનું જણાય છે.
પોલીસે મૃતકોની ઓળખ ચંદ્રપ્પા, ધનંજય, કૃષ્ણપ્પા અને જયન્ના તરીકે કરી છે. તેઓ ભદ્રાવતીના વતની હતા અને બીલીકેરેની એક હોટલમાં જમ્યા બાદ તુમાકુરુ જિલ્લાના તિપ્ટુર જઈ રહ્યા હતા.મૃતદેહોને પાંડવપુરા સરકારી હોસ્પિટલના શબઘરમાં મોકલવામાં આવ્યા છે.
આ અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડ અને ડાઇવર્સ બચાવ કામગીરીમાં જોડાયા હતા. દરમિયાન કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શિમોગા જિલ્લાના ભદ્રાવતીના રહેવાસી ચંદ્રપ્પા પોતાની કારમાં મૈસૂરથી ભદ્રાવતી પરત ફરી રહ્યા હતા, પરંતુ રસ્તામાં એક વળાંક પર તેમની કાર બેરીકેટ સાથે અથડાઈને નહેરમાં ખાબકી હતી.