કર્ણાટકમાં મંદિરોની આવક પર ટેક્સ લગાવવા કર્ણાટક હિન્દુ રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂશન્સ એન્ડ ચેરિટેબલ એન્ડોવમેન્ટ બિલ્સ પસાર

કર્ણાટક, કર્ણાટકની કોંગ્રેસ સરકારે વિધાનસભામાં કર્ણાટક હિન્દુ રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂશન્સ એન્ડ ચેરિટેબલ એન્ડોવમેન્ટ બિલ્સ, ૨૦૨૪ પસાર કર્યું છે, જેમાં રૂ.૧૦ લાખથી વધુ વાષક આવક ધરાવતા મંદિરો પાસેથી ફન્ડ એકત્ર કરવાની જોગવાઈ છે. આ બિલ અંતર્ગત એક કોમન પૂલ ફંડની સ્થાપના કરવાનો પ્રસ્તાવ છે, જે આવકના આધાર પર મંદિરોને મળતા દાન પર ટેક્સ લગાવશે. બિલની જોગવાઈ અનુસાર, સરકાર રૂપિયા એક કરોડથી વધુ દાનની રકમ મેળવતા મંદિરો પર ૧૦ ટકા ટેક્સ લગાવશે. જ્યારે, ૧૦ લાખથી એક કરોડ સુધીની આવક ધરાવતા મંદિરો પર પાંચ ટકા ટેક્સ વસૂલશે.

રાજ્ય સરકારના મંત્રી રામલિંગા રેડ્ડીએ વિધાનસભામાં કહ્યું કે, ફંડનો હેતુ મંદિરોમાં સુવિધાઓ, વીમાનું કવર, મંદિરોના પુજારીઓ માટે મૃત્ય રાહત ભંડોળ અને લગભગ ૪૦૦૦૦ પુજારીઓના પરિવારોના બાળકો માટે શિષ્યવૃત્તિ સહિતનાં લાભો આપવાનો છે.

કર્ણાટકમાં મંદિરોને તેમની વાર્ષિક આવકના આધાર પર જુદી-જુદી શ્રેણીમાં વિભાજીત કર્યા છે. જેમાં ગ્રુપ એમાં ૨૦૫ મંદિરો આવે છે, જેમની વાષક આવક ૨૫ લાખથી વધુ છે. જ્યારે ગ્રુપ બી માં ૧૯૩ મંદિરો સામેલ છે, જેમની વાષક પાંચ લાખથી ૨૫ લાખ રુપિયાની વચ્ચેની છે. બાકીના ૩૦૦૦ મંદિરોની વાર્ષિક આવક પાંચ લાખથી પણ ઓછી છે, જેમને સી ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

વિપક્ષી દળ ભાજપે કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારને હિન્દુ વિરોધી ગણાવી છે. પગલાંનો બચાવ કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે, ૨૦૧૧માં ખુદ ભાજપે જ વધુ આવક ધરાવતા મંદિરો પાસેથી ભંડોળ એકત્ર કરવા કાયદામાં સુધારો કર્યો હતો. ટ્રાન્સપોર્ટ મંત્રી રામલિંગા રેડ્ડીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ જોગવાઈ નવી નથી,પણ ૨૦૦૩થી ચાલતી આવે છે. સરકારે જણાવ્યું હતું કે, કોમન પુલ ફન્ડમાં રકમ વધારવી જરૂરી હતી. કર્ણાટક હિન્દુ રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂશન્સ એન્ડ ચેરિટેબલ એન્ડોવમેન્ટ એક્ટ, ૧૯૯૭ ૧ મે, ૨૦૦૩નાં રોજ અમલી બન્યો હતો અને એક્ટની ૧૭મી કલમ હેઠળ કોમન પુલ ફન્ડ માટે જોગવાઈ કરવામાં આવી હતી.

ધાર્મિક પરિષદને ૨૦૦૩થી વર્ષે ૨૫ લાખથી વધુ આવક ધરાવતા મંદિરો પાસેથી ૧૦ ટકા આવક મળે છે. રાજ્યમાં ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ પુજારીઓને સરકાર મદદ કરવા માંગે છે, જેનાં માટે ભંડોળની જરૂર છે.