મૈસુર,
નાતાલના બે દિવસ બાદ કર્ણાટકના મૈસૂરમાં એક ચર્ચમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે પીરિયાપટના વિસ્તારમાં સ્થિત સેન્ટ મેરી ચર્ચમાં ઘૂસીને અજાણ્યા બદમાશોએ તોડફોડ કરી હતી અને ભગવાન જીસસની મૂર્તિ ઉપરાંત ત્યાં રાખવામાં આવેલી વસ્તુઓને નુક્સાન પહોંચાડ્યું હતું. ચર્ચના પાદરી બહારગામ ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.
મૈસુરના પોલીસના જણાવ્યા પ્રમાણે ચર્ચમાં તોડફોડ કરનારા બદમાશોને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી રહી છે. બદમાશોએ ચર્ચમાં રાખવામાં આવેલી દાન પેટી અને અન્ય કેટલીક વસ્તુઓ ચોરી લીધી છે. તપાસ ચાલુ છે.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રાથમિક દૃષ્ટિએ ચોરીનો મામલો લાગે છે, પરંતુ આ કેસની તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા શહેરમાં કેટલાક ઘરમાં ચોરી થઇ હતી આ મામલામાં પણ એ બદમાશોની સંડોવણીની શંકા છે.”
આ પહેલા પણ દેશના અલગ અલગ વિસ્તારોમાં ચર્ચ પર હુમલાના બનાવો બન્યા છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં, પંજાબના તરનતારન જિલ્લાના પટ્ટી વિસ્તારના એક ચર્ચમાં લોકોનું ટોળું બળજબરીથી ઘૂસી ગયું હતું અને ભગવાન ઇસુ અને માતા મેરીની મૂર્તિઓની તોડફોડ કરી હતી. બદમાશોએ પાદરીની કારને આગ લગાવી હતી. અમૃતસર જિલ્લાના દાદુઆના ગામમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કથિત રીતે હોબાળો કરવા બદલ કેટલાક નિહંગો સામે એફઆઈઆર દાખલ થયાના બે દિવસ બાદ આ ઘટના બની હતી.