બેંગ્લુરુ,કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે લોકાયુક્ત ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકાયુક્ત પોલીસની ટીમ વધારે સંપત્તિના સંબંધમાં બેંગલુરુ, શિવમોગા, ચિત્રદુર્ગા, કોલાર અને બિદર જિલ્લામાં સરકારી અધિકારીઓ તેમજ રાજકારણીઓના ઘરો પર દરોડા પાડી રહી છે.
ટીમે કોંગ્રેસના એક નેતાના ઠેકાણા પરથી ૩૦ લાખ રૂપિયા રોકડા તેમજ કરોડો રૂપિયાનું સોનું અને ચાંદી જપ્ત કરી હતી. સૂત્રોનું માનીએ તો, ટીમે કોંગ્રેસના નેતાને ફંડના સ્ત્રોતનો ખુલાસો કરવા નોટિસ પાઠવી છે. બુધવારે દરોડા દરમિયાન, બેંગલુરુમાં ટાઉન પ્લાનિંગના સહાયક નિયામક ગંગાધરૈયાના સ્થળોની શોધ કરવામાં આવી રહી છે.
દક્ષિણ કન્નડ જિલ્લાના બેલથાંગડી ખાતે લોકાયુક્ત ટીમે પૂર્વ મંત્રી કે ગંગાધર ગૌડા અને તેમના પુત્ર રંજન જીની ધરપકડ કરી હતી. ગૌડાના પરિસરમાં સર્ચ કરવામાં આવ્યું હતું. ગંગાધર ગૌડા કોંગ્રેસના નેતા છે અને બેલથાંગડી કોંગ્રેસ એકમના પ્રમુખ પણ છે.
લોકાયુક્તની ટીમ બેલથાંગડી અને નજીકના ઈન્દાબેટ્ટુ ગામોમાં સ્થિત આ બંને નેતાઓના ઘરોની તપાસ કરી રહી છે. આ સાથે પ્રસન્ના એડ્યુકેન ટ્રસ્ટના પરિસરમાં પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે. ગંગાધર ગૌડા અને રંજન ગૌડા બેલથાંગડીમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. ટીમે તેની પાસે કરોડો રૂપિયાની બંજર જમીનનો હિસાબ પણ પૂછ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને લોકાયુક્તની ટીમે મોટી કાર્યવાહી કરતા પ્રશાંત કુમારને ૪૦ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રશાંતની ઓફિસમાંથી નોટોની અનેક બેગ મળી આવી હતી.
કર્ણાટકમાં ચૂંટણી માટે ૧૦ મેના રોજ મતદાન થશે, જ્યારે મતગણતરી ૧૩ મેના રોજ થશે. હાલ રાજ્યમાં રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. આ દરમિયાન લોકાયુક્તની ટીમની આ કાર્યવાહી થઈ રહી છે. છેલ્લા એક મહિનામાં લોકાયુક્તની ટીમે શાસક અને વિપક્ષ સહિત અનેક નેતાઓના ઘરે દરોડા પાડ્યા છે.