કર્ણાટકમાં ગૃહ લક્ષ્મી યોજના શરૂ: મહિલાઓને દર મહિને ૨૦૦૦ મળશે; ૧૦૦ દિવસમાં તમામ પાંચ વચનો પૂરા કર્યા : રાહુલ

મૈસુર : રાહુલ ગાંધીએ આજે (૩૦ ઓગસ્ટ) મૈસુરમાં કર્ણાટક સરકારની ગૃહ લક્ષ્મી યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ મહારાજા કોલેજ ગ્રાઉન્ડમાં યોજાયો, જેમાં એક લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા.

રાહુલ ગાંધીએ યોજનાનું ઉદ્ઘાટન કરતાની સાથે જ ૧ કરોડ ૦૯ લાખ ૫૪ હજાર મહિલાઓના ખાતામાં ૨૦૦૦ રૂપિયા જમા થઈ ગયા જેમણે આ યોજના માટે નોંધણી કરાવી હતી. આ યોજનાનો લાભ તે મહિલાઓને આપવામાં આવશે જેમના નામે રેશન કાર્ડ છે. જે મહિલા અથવા તેના પતિ ઈન્ક્મટેક્સ ભરે છે તે આ યોજના માટે પાત્ર રહેશે નહીં.

આ અવસર પર રાહુલે કહ્યું કે અમે ચૂંટણીમાં જે પાંચ વચનો આપ્યા હતા તે સરકાર બનાવ્યાના ૧૦૦ દિવસમાં પૂરા કરી દીધા છે. આ પાંચ વચનોમાંથી ચાર મહિલાઓ માટેના છે. આની પાછળનો અમારો વિચાર એ છે કે જેમ એક મોટું વૃક્ષ મજબૂત મૂળ વિના ટકી શક્તું નથી, તેવી જ રીતે કર્ણાટકની મજબુતીનો આધાર અહીંની માતાઓ અને બહેનો છે. કર્ણાટકમાં આ વર્ષે મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં વચન આપ્યું હતું કે સરકાર બન્યા બાદ અમે દરેક ઘરમાં એક ગૃહિણીને મહિને ૨૦૦૦ રૂપિયા આપીશું.

રિપોર્ટ્સ અનુસાર, પહેલા આ કાર્યક્રમ ૨૦ ઓગસ્ટના રોજ બેલાગાવીમાં આયોજિત થવાનો હતો, પરંતુ તેને ૨૭ ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. બાદમાં, જ્યારે રાહુલ ગાંધીની મૈસુરની મુલાકાત નક્કી કરવામાં આવી, ત્યારે કાર્યક્રમની તારીખ ૩૦ ઓગસ્ટ અને સ્થળ તરીકે મૈસૂર નક્કી કરવામાં આવી.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૨૨૪માંથી ૧૩૫ બેઠકો જીતી છે. તેમજ, ભાજપ ૬૬, જેડીએસ ૧૯ અને અન્ય ૪ બેઠકો જીતવામાં સફળ રહી હતી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ૧૮૫ મહિલા ઉમેદવારો મેદાનમાં હતી, જેમાંથી માત્ર ૮ જ જીતી શકી હતી. ભાજપના ૧૨ ઉમેદવારો હતા, ૨ જીત્યા. કોંગ્રેસના ૧૧ ઉમેદવારો હતા, ૩ જીત્યા હતા. જેડીએસના ૧૩ ઉમેદવારો હતા, ૨ જીત્યા. ૧૪૯ અપક્ષ હતા, માત્ર ૧ જીત્યો હતો.

૨૦૧૮માં ભાજપને ૧૦૪, કોંગ્રેસને ૭૮ અને જેડીએસને ૩૭ બેઠકો મળી હતી. કોઈ પક્ષને બહુમતી મળી નથી. ભાજપના યેદિયુરપ્પાએ ૧૭ મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, પરંતુ ૨૩ મેના રોજ ગૃહમાં તેમની બહુમતી સાબિત ન કરી શકવાને કારણે રાજીનામું આપ્યું હતું. આ પછી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર બની. ૧૪ મહિના બાદ કર્ણાટકના રાજકારણમાં ફરી વળાંક આવ્યો છે. કોંગ્રેસ અને જેડીએસના કેટલાક ધારાસભ્યોના બળવા બાદ કુમારસ્વામીને ખુરશી છોડવી પડી હતી. યેદિયુરપ્પાએ આ બળવાખોરોને ભાજપમાં જોડી દીધા અને ૨૬ જુલાઈ ૨૦૧૯ ના રોજ, ૧૧૯ ધારાસભ્યોના સમર્થનથી, તેઓ ફરીથી મુખ્ય પ્રધાન બન્યા, પરંતુ બે વર્ષ પછી રાજીનામું આપી દીધું. ભાજપે બસવરાજ બોમાઈને મુખ્યમંત્રી બનાવ્યા.