ચિત્રદૂર્ગ, કર્ણાટકના ચિત્રદૂર્ગ જિલ્લામાં એક જર્જરિત મકાનમાંથી એક જ પરિવારના ૫ લોકોના માનવ કંકાલ મળી આવ્યા હતા, પોલીસના જણાવ્યા અનુસાર પરિવારના લોકો ગંભીર બીમારીથી પીડાતા હતા. તમામ છેલ્લે ૨૦૧૯માં જોવા મળ્યા હતા.
આ અંગે સંબંધીઓએ પોલીસને આપેલા નિવેદન મુજબ પરિવાર સંપૂર્ણપણે એકાંત જીવન જીવતો હતો અને તમામ લોકો છેલ્લે જુલાઈ ૨૦૧૯ની આસપાસ જોવા મળ્યા હતા, આ પછી તેમનું ઘર બંધ જોવા મળતું હતું. લગભગ બે મહિના પહેલા સ્થાનિક લોકોએ સવારના સમયે જોયું કે લાકડાનો મેઈન દરવાજો તૂટી ગયો હતો, તેમ છતાં કોઈએ પોલીસને જાણ કરી ન હતી. ઘટનાસ્થળની વધુ તપાસ કરતા ઘરની અંદર તોડફોડના સંકેત મળ્યા હતા. આ અંગેની પોલીસને માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘરની અંદર તપાસ કરતા તેમને એક રૂમમાં બે બેડ પર અને બે લોર પર એમ ચાર માનવ કંકાલ મળ્યા હતા, જ્યારે બીજા રૂમમાંથી વધુ એક માનવ કંકાલ મળી આવ્યું હતું.
આ પછી દાવંગેરેથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમ અને સીન ઓફ ક્રાઈમ ઓફિસર્સને પુરાવા એકત્રિત કરવા માટે બોલાવ્યા બાદ ઘરની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી હતી. આ મામલે પરિચિતો, સંબંધીઓ અને કૌટુંબિકના નિવેદનોના મૂલ્યાંકન અનુસાર, આ માનવ કંકાલ એક વૃદ્ધ દંપતી, તેમના વૃદ્ધ પુત્ર અને પુત્રી અને તેમના ૫૭ વર્ષીય પૌત્રના હોવાની શંકા હતી. જો કે ફોરેન્સિક રિપોર્ટ બાદ મૃતકોની ઓળખની પુષ્ટિ થશે. આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.