મુંબઇ,કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો તરફથી જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે. કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો ગઢ છે. અહીં પ્રચાર માટે પ્રિયંકા ગાંધી રસ્તાઓ પર ઉતરી લોકોને મળી રહ્યા છે. બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભાજપની જીત માટે પ્રવાસો કરી રહ્યા છે.
અમિત શાહે અહીં પોતાના ચૂંટણી પ્રચારમાં કહ્યું કે કોંગ્રેસ પરિવારવાદને પ્રોત્સાહન આપતી પાર્ટી છે, જો કોંગ્રેસ જીતશે તો રાજ્યમાં રમખાણો થશે. આ અંગે ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપતા શાહના નિવેદન પર રાઉતે સવાલ ઉઠાવ્યો છે.
સંજય રાઉતે આજે ૨૭ એપ્રિલ, ગુરુવાર દિલ્હીમાં તેમની મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જો પીએમ મોદી કર્ણાટકના પોશાક પહેરીને કર્ણાટકની આસપાસ ફરે તો પણ તેનાથી ભાજપને કોઈ ફાયદો થશે નહીં. દેશના ગૃહમંત્રી અમિત શાહ કહી રહ્યા છે કે જો કોંગ્રેસ જીતશે તો રમખાણો થશે. તેઓ દેશના ગૃહમંત્રી તરીકે આ વાત કહી રહ્યા છે. તો શું તે ધમકી આપી રહ્યા છે? સંજય રાઉતે આ અંગે શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે શું તમે કહો છો કે ભાજપને વોટ નહીં અપાય તો રમખાણો થશે?
સંજય રાઉતે કહ્યું કે અમિત શાહ દેશના ગૃહમંત્રી છે. તે કાયદો અને વ્યવસ્થા માટે જવાબદાર છે. તેઓ તોફાનોની અપેક્ષા રાખી રહ્યા છે. જો રમખાણો થશે તો તેઓ શું કરશે? તેમના ગૃહમંત્રી હોવાનો શો ફાયદો? તેઓ ભાજપ શાસિત રાજ્યોમાં શરૂ થયેલા રમખાણો પર કેમ બોલતા નથી? કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ હારી જશે તો રમખાણો થશે, કેન્દ્રીય ગૃહમંત્રીના મોઢેથી આ ધમકી શોભા નથી આપતી. આ એક સારા ગૃહમંત્રી બનવાની નિશાની નથી.
સંજય રાઉતે કહ્યું કે લોક્સભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રમખાણોની વાત કરવામાં આવી રહી છે. ભાજપનું રાજકારણ રમખાણોનું રાજકારણ છે. ભાજપનું રાજકારણ વિસ્ફોટક રાજકારણ છે. આ વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં દેશની જનતાએ નક્કી કરવાનું છે કે ભવિષ્ય માટે કોને પસંદ કરવો.