કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી:-સરકારી શાળાના બાળકોને બે જોડી યુનિફોર્મ પણ નથી મળી રહ્યા, શરમ કરો

બેંગ્લોર,

કર્ણાટક હાઈકોર્ટે સરકારી શાળાઓમાં બાળકોને યુનિફોર્મ ન આપવા બદલ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે કહ્યું કે સરકારને આ માટે શરમ આવવી જોઈએ. ખરેખરમાં, કર્ણાટક હાઈકોર્ટમાં જસ્ટિસ બી વીરપ્પા અને કેએસ હેમલેખાની બેંચે ૨૦૧૯માં આ અંગે આદેશ આપ્યો હતો. સરકારે આ આદેશનું પાલન કર્યું ન હતું, જેના કારણે એક અરજદારે કોર્ટમાં અરજી કરી હતી.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ, ૨૦૦૯ હેઠળ વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ આપવા જોઈએ. પરંતુ કર્ણાટકની ઘણી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને બે જોડી ગણવેશ, પગરખાં અને મોજાં આપવામાં આવતા નથી.

જસ્ટિસ વીરપ્પાએ કહ્યું, આવી ભૂલ સરકાર માટે શરમજનક બાબત છે. બાળકોના શિક્ષણ સાથે રમત કરવી એ કોર્ટ સાથે રમવા કરવા સમાન છે. બિનજરૂરી વસ્તુઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જ્યારે શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે, છતાં આવી દુર્દશા. અમે આ બાબતોને સહન નહીં કરીએ. શું આ રાજ્ય સરકાર માટે શરમજનક નથી? આ તદ્દન દુર્ભાગ્યપૂર્ણ છે.

રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે શાળાઓના આચાર્યો અને મુખ્ય શિક્ષકોને ગણવેશ, મોજાં અને શૂઝની ખરીદી માટે રકમ મોકલવામાં આવી હતી. તેના પર કોર્ટે કહ્યું કે માત્ર ભગવાન જ જાણે છે કે આ રકમ લાભાર્થીઓ સુધી પહોંચી છે કે નહીં.

ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યની આંખો ખોલવાનો અને ૬ થી ૧૪ વર્ષની વયજૂથના સરકારી શાળાના વિદ્યાર્થીઓને શાળા ગણવેશ પૂરો પાડવાની તેની મૂળભૂત ફરજને તાત્કાલિક અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે.કર્ણાટકની ઘણી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને બે જોડી ગણવેશ, પગરખાં અને મોજાં આપવામાં આવતા નથી.

ખાનગી શાળાઓમાં ભણવાનું પરવડે તેવા વિદ્યાર્થીઓની સરખામણીએ સરકારી શાળાના વિદ્યાર્થીઓ સાથે દેખીતી સાવકી-માતાના વર્તન અંગે પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ વીરપ્પાએ કહ્યું કે જો સત્તામાં બેઠેલા લોકોમાં માનવતા નથી તો તે મોટી સમસ્યા છે. તેમનામાં માનવતા હોવી જોઈએ. તેમના બાળકો ક્યારેય સરકારી શાળામાં ભણવા જતા નથી. બાળકો પ્રત્યે આ પ્રકારનું સાવકી માતાનું વલણ અમે સહન નહીં કરીએ. સરકારે વિગતવાર એફિડેવિટ દાખલ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો, આ બાબતે મંજૂરી આપતાં કોર્ટે કહ્યું કે રાજ્યને વધુ સમય આપવામાં આવ્યો છે, જેથી જવાબદાર અધિકારી સામે આરોપો ઘડી શકાય.