કારગિલ: ચૂંટાયેલા કાઉન્સિલરોએ લીધા શપથ, એનસી-કોંગ્રેસ વચ્ચે અઢી વર્ષ માટે સમજૂતી

શ્રીનગર, કારગિલ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના નવા ચૂંટાયેલા કાઉન્સિલરોએ મંગળવારે શપથ લીધા. સૈયદ મેહદી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સમારોહમાં તમામ ૨૬ ચૂંટાયેલા કાઉન્સિલરોને જિલ્લા ન્યાયાધીશ ઈકબાલ અહેમદ મસૂદીએ શપથ લેવડાવ્યા હતા. કાઉન્સિલની પ્રથમ બેઠક ૧૮ ઓક્ટોબરે બોલાવવામાં આવી છે, જેમાં ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલરની પસંદગી કરવામાં આવશે.

કાઉન્સિલની રચના એનસી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. અઢી વર્ષ માટે રોટેશનના આધારે સીઈસીના પદ માટે બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ છે. એવું માનવામાં આવે છે કે પહેલા એનસી સીઇસીના પદ માટે દાવો કરશે. એનસી કાઉન્સિલર ડૉ. મોહમ્મદ જાફર અખુનને સીઇસી પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

કોંગ્રેસ દ્વારા નાસીર મુનશીને અઢી વર્ષ બાદ સીઈસી પદ માટે ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. બંને પક્ષોએ સંયુક્ત સંકલન સમિતિની રચના કરી છે જેથી કાઉન્સિલની કામગીરી સુચારૂ રીતે ચાલી શકે. આ બેઠકમાં ડીસી કારગિલ સીઈઓ હાજર રહેશે. જણાવી દઈએ કે એનસીએ ૧૨, કોંગ્રેસે ૧૦, ભાજપે બે અને બે અપક્ષ સભ્યો જીત્યા હતા. ચાર કાઉન્સિલરોને નોમિનેટ કરવામાં આવશે.