વડોદરામાં ટ્રક ચાલકે ૧૭ વર્ષીય વિદ્યાર્થીની નો ભોગ લીધો

કારેલીબાગ વિસ્તારમાં ટુ વ્હીલર ટર્ન લઈ રહેલી વિદ્યાર્થીની ઓને પાછળથી આવતી ટ્રકના ચાલકે અડફેટે લીધી હતી. જેમાં એક વિદ્યાથની પર ટ્રકનું ટાયર ફરી વળતા હાથ અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. સગીરાને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. આ મામલે કારેલીબાગ પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય વિદ્યાથનીએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું અને મારા માસીની દીકરી કેયા દિનેશભાઇ પટેલ, મારી મામાની દીકરી હિર અમીતભાઇ પટેલ તથા મારી ફ્રેન્ડ આયસી અમે ઘરેથી મારી એક્ટિવા તથા હિરનું સ્કૂટર લઇને બપોરના આશરે ચારેક વાગે પાણીની ટાંકી સર્કલ પાસે આવેલ બોમ્બે સેલમાં ખરીદી કરવા ગયા હતા.

અમે ખરીદી કરી સાંજે પરત ઘરે જઈ રહ્યાં હતા. દરમિયાન એક્ટિવા કેયા ચલાવતી હતી. પાણીની ટાંકીના સર્કલથી અમીતનગર તરફ જઈ રહેલા એક્ટિવાને ટર્ન મારતા ટ્રકચાલકે પૂર ઝડપે ટ્રક ચલાવીને એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી માસીની દીકરી પાછળ બેઠી હતી તે નીચે પડી ગઈ હતી અને ડાબા પગના પંજા અને ડાબા પગના ઘૂંટણ પર ઇજા થઈ હતી.

જેથી હું તથા મારી મામાની દીકરી હિર અને હાદક પટેલ કેયાને સારવાર માટે નવરંગ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, તેઓએ ના પાડતા અમે શુકન હોસ્પિટલ લઇ જતા તેઓએ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવા જણાવ્યું હતું. જેથી અમે સયાજી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. તબીબોએ કેયાને મૃત જાહેર કરી હતી. આ મામલે મેં આઈસર ટ્રકના ચાલક સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી આઇસર ટ્રકચાલક હરીશ ગોહિલની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પરિવારને જાણ કરતા તેમણે જણાવ્યું કે, મૃતક કેયા પટેલને તાજેતરમાં જ અમેરિકાના ૧૦ વર્ષના વિઝા મળ્યા હતા અને તે ૧ મહિનામાં જ અમેરિકા જવાની હતી. તાજેતરમાં જ તે વિઝાના કામ માટે દિલ્હી પણ ગઈ હતી. જોકે, અમેરિકા જાય તે પહેલા જ અકસ્માતમાં તેને પોતાનો જીવ ગુમાવ્યો છે.