કરાટે કોચે 16 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું:સ્પર્ધાના બહાને અમદાવાદથી કોલવડા લઈ ગયો, દુષ્કર્મ આચરીને ધમકી આપી, ગર્ભ રહી જતાં ભાંડો ફૂટ્યો

ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ રોડ પર આવેલી સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં પાર્ટટાઇમ નોકરી કરતા કરાટેના કોચે અમદાવાદની 16 વર્ષીય સગીરાને કરાટે શીખવવાના બહાને પ્રેમના પાઠ ભણાવી શારીરિક શોષણ કર્યું હતું. એના પગલે સગીરાને આઠ માસનો ગર્ભ રહી જતાં કરાટેના કોચનો ભાંડો ફૂટી ગયો છે. આ મામલે પેથાપુર પોલીસે કરાટેના કોચ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

કરાટે શીખવવાના બહાને પ્રેમના પાઠ ભણાવતો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ રોડ પર આવેલી સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં હાલમાં કરાટેના કોચ તરીકે પાર્ટ ટાઇમ ફરજ બજાવતો સંજય કિશનભાઈ વાઘેલા અગાઉ અમદાવાદ ખાતે નોકરી કરતો હતો. જે અમદાવાદના વકીલની 16 વર્ષીય દીકરીને કરાટે શીખવતો હતો. ધીમે ધીમે સંજય સગીરાને કરાટે શીખવવાના બહાને પ્રેમના પાઠ ભણાવવા માંડ્યો હતો. એમાંય સ્કૂલ લેવલે યોજાતી સ્પર્ધાઓમાં પણ સગીરા ભાગ લેતી હોવાથી કોચ સંજય તેની સાથે રહેતો હતો.

આઠેક મહિના અગાઉ ગાંધીનગરના કોલવડા ખાતે પણ સ્પર્ધામાં ભાગ લેવા માટે સંજય સગીરાને લઈને આવ્યો હતો. દરમિયાન એકલતાનો લાભ ઉઠાવી સંજયે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાને ધમકી આપતાં સગીરાએ આ વાત ડરના માર્યા પોતાના ઘરે પણ કહી ન હતી. આમ ને આમ સમય પસાર થતા સગીરાને આઠ મહિનાનો ગર્ભ રહી ગયો હતો. જે વાત ઘરે ખબર પડી જતાં તેણીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં તેનું મેડિકલ પરીક્ષણ કરતાં કોચ સંજય વાઘેલાનાં કરતૂત બહાર આવી ગયાં હતાં.

આ અંગે પેથાપુર પોલીસ મથકના પીઆઈ મુકેશ દેસાઈએ જણાવ્યું કે, પાલજનો સંજય વાઘેલા સ્વામિનારાયણ ધામ સ્કૂલમાં કરાટેના સ્ટુડન્ટ્સને કોચિંગ આપે છે. જે અગાઉ અમદાવાદ નરોડાની ધોરણ-11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરાને કરાટે કોચિંગ આપતો હતો. દરમિયાન તેણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. કોલવડા ખાતે આઠેક મહિના અગાઉ કરાટેની કોમ્પિટિશનમાં સગીરાને લઈને સંજય આવ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. જેના લીધે સગીરાને આઠ મહિનાનો ગર્ભ રહી ગયો છે. પોલીસે આરોપી સંજય વાઘેલા વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.