
ગાંધીનગર, રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કરારના સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીના પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે. ફરજ દરમિયાન અવસાન થાય તો આશ્રિતોને રૂ.૧૪ લાખની સહાય મળશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ – ૩અને વર્ગ – ૪ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય આપવામાં આવશે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત સચિવ એચ.કે ઠાકર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ખાતેની નિયમિત જગ્યા ઉપર ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂક પામેલા વર્ગ-૩ અને વર્ગ ૪ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન તા-૧૨/૧૦/૨૦૨૩ કે ત્યારબાદ થયેલા અવસાનના કિસ્સામાં રૂ.૧૪ લાખ (ચૌદ લાખની) ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે.
સામાન્ય વહીવટ વિભાગના તા-૨૦/૦૭/૨૦૧૪૭ના ઠરાવ તેમજ ત્યારબાદ તે સંદર્ભે વખતો વખત થયેલા ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ/શરતો યથાવત રહેશે તેવું પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.