કારંટાના મેળામાં ગુમ થયેલ યુવતિનો મળેલ મૃતદેહ સ્વિકારવાનો પરિવારનો ઈન્કાર

લુણાવાડા,

મહિસાગર જિલ્લાના ખાનપુર ગામની ચંદ્રિકા પરમાર ધો-12ની પરીક્ષા આપી રહી હતી. બે પેપર આપ્યા બાદ તે બાકીના પેપરની તૈયારી કરી રહી હતી. દરમિયાન તે ખાનપુર નજીક કારંટા મહી નદીના કાંઠે દર વર્ષે યોજાતા ઉર્સના મેળામાં ગઈ હતી. 18 માર્ચના રોજ પરિવાર સાથે મેળામાં હતી ત્યારે વાવાઝોડુ આવ્યુ અને વરસાદમાં તે પરિવારથી વિખુટી પડી ગઈ. લાઈટ પણ જતી રહી હતી. એવામાં અચાનક ચંદ્રિકા ગુમ થઈ ગઈ હતી. આથી પરિવારે તેની આસપાસમાં શોધખોળ હાથ ધરી તેમ છતાં તેનો કોઈ ભાળ ન મળતા પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આખરે કારંટા ગામે ચાર દિવસ બાદ મહિસાગર નદીની અંદરથી કોથળામાં બાંધેલી હાલતમાં ચંદ્રિકાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પી.એમ.માટે વડોદરા મોકલવામાં આવ્યો હતો. સમગ્ર ધટનાને લઈને મહિસાગર જિલ્લા પોલીસ, એલસીબી, તેમજ એસ.ઓ.જી.એ અલગ અલગ ટીમો બનાવી ગુનાને લઈને તપાસ હાથ ધરી છે. ગુનાને ડિટેકટ કરવા માટે પોલીસ દ્વારા એફ.એસ.એલની તેમજ ડોગ સ્કવોર્ડની મદદ લઈ તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે યુવતિના પરિવારજનોને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાની ના પાડી હતી. પરિવારના લોકોનો આક્ષેપ છે કે, યુવતિ સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરવામાં આવી છે. ત્યારે દલિત સમાજ દ્વારા આ અંગેની ન્યાયની માંગણી સાથે મહિસાગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.