જયપુર,
શ્રી રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું સોમવારે મોડી રાતે જયપુરની એસએમએસ હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. કાલવીનુ મોત હાર્ટ અટેકના કારણે થયું હોવાનું કહેવાય છે. લોકેન્દ્ર કાલવી લાંબા સમયથી બીમાર હતા. જૂન ૨૦૨૨માં બ્રેન સ્ટ્રોક થયો હતો. જે બાદ તેમની સારવાર ચાલી રહી હતી. આપને જણાવી દઈએ કે, અંતિમ દર્શન માટે રાજપૂત સભા ભવન જયપુરમાં તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે. જે બાદ કાલવીના અંતિમ સંસ્કાર નાગૌર જિલ્લાના તેમના પૈતૃક ગામમાં મંગળવારે બપોરે ૨.૧૫ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ લોકેન્દ્ર સિંહ કલવીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જૂન ૨૦૨૨ બાદથી તેમની સારવાર ચાલી રહી હતી. કરણી સેનાની સ્થાપના કરનારા લોકેન્દ્ર સિંહ કલવી કેટલાય વર્ષથી પોતાના સમાજના હિત અને માગને લઈને ચર્ચામાં રહેતા હતા. લોકેન્દ્ર સિંહ કલવી કેટલાય મુદ્દા પર મોટા ભાગે ચર્ચામાં બન્યા રહેતા હતા. ખાસ કરીને રાજપૂત સમાજની અસ્મિતાને લઈને તેઓ ખૂબ જ સજાગ અને સૌથી આગળ રહેતા. આપને જણાવી દઈએ કે, લોકેન્દ્ર સિંહ કલવીના પિતા કલ્યાણ સિંહ કલવી થોડા સમય માટે રાજ્ય અને કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા હતા.
લોકેન્દ્ર સિંહ કલવી સામાજિક મુદ્દાની સાથે રાજનીતિમાં પણ એક્ટિવ રહેતા હાત. તેમણે નાગૌરથી લોક્સભા ચૂંટણી પણ લડ્યા હતા. જો કે, આ ચૂંટણીમાં તેમણે હાર મળી હતી. વર્ષ ૧૯૯૮માં તેમને ભાજપ ઉમેદવાર તરીકે બાડમેરથી ચૂંટણી લડી હતી. જો કે તે વખતે પણ તેમને હાર મળી. વર્ષ ૨૦૦૩માં અમુક અન્ય લોકો સાથે મળીને તેમણે એક સામાજિક મંચ બનાવ્યો અને અગ્રિમ જાતિ માટે અનામત આપવાની માગ રજૂ કરી.