
મુંબઇ,
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા ચહેરાઓને ચમકાવવા માટે જાણીતા અભિનેતા કરણ જોહરે હવે પોતે કોઈ નવા ચહેરા લોન્ચ નહીં કરવાની જાહેરાત કરી છે. કરણના જણાવ્યા અનુસાર નવોદિતોની ફિલ્મો ચાલતી નથી અને તેના પ્રચાર-માર્કેટિંગનો ખર્ચો બહુ જ મોંઘો પડે છે. લગભગ તમામ મોટા સ્ટાર્સના સંતાનોને કરણ જોહરની ફિલ્મથી લોન્ચ કરવામાં આવે છે. તેના લીધે કરણ જોહર પર સગાંવાદના આક્ષેપો પણ થાય છે. જોકે, તાજેતરમાં કરણે એક ડિબેટમાં જણાવ્યું હતું કે પોતે હવે નવા ચહેરા લોન્ચ નહીં કરે. સાવ નવાસવા કલાકારોને જોવા કોઈ આવતું નથી.
આવી ફિલ્મોને ચલાવવા માટે માર્કેટિંગ અને પબ્લિસિટીના કરોડો રુપિયા ખર્ચવા પડે છે. તેની સામે એટલું વળતર મળતું નથી. હવે પોતે આવી નવા ચહેરાઓની પબ્લિસિટી માટે બજેટ ફાળવવા તૈયાર નથી.
કરણે ફિલ્મોના પ્રચારને હાસ્યાસ્પદ પણ ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે બોલીવૂડમાં આત્મવિશ્ર્વાસની ઓછપ છે એટલે આ રીતે માર્કેટિંગ કરવું પડે છે.