
દાહોદ,કારમી મોંઘવારીમાં પગારદાર માણસનો પગાર નિયમિત આવતો હોવા છતાં તે પગારમાં બે છેડા પણ મેળવવા તેને કઠિન થઈ પડે છે. તેવા મોંઘવારીના કપરાં કાળમાં દાહોદ નગરપાલિકાના કર્મચારીઓને છેલ્લા બે માસથી પાલિકા દ્વારા પગાર કરવામાં નહીં આવતા પાલિકાના કર્મચારીઓની હાલત અત્યંત કફોડી બનતા પોતાના તથા પરિવારજનોના પેટનો ખાડો પુરવા તેમજ અન્ય ઘર ખર્ચ માટે વ્યાજખોરો સામે હાથ લંબાવવા મજબૂર થવાનો વારો આવ્યો છે. તેવું પગારના મુદ્દે કર્મચારીઓમાં થતી ચણભણાટ માં સાંભળવા મળી રહ્યું છે. તમામ ક્ષેત્રે વિકાસની મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકારના તાબા હેઠળની દાહોદ નગરપાલિકામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કર્મચારીઓના પગાર કરવા માટે નગરપાલિકાના સત્તાધિશો પાસે નાણાકીય સગવડ ન હોવાને કારણે યા બીજા કોઈ કારણોસર દાહોદ નગરપાલિકાના કર્મચારીઓનો છેલ્લા બે માસનો પગાર કરવામાં આવ્યો નથી. ગત ફેબ્રુઆરી તથા માર્ચ એમ બે માસનો પગાર હજી બાકી છે. અને એપ્રિલની 10 તારીખ પણ થઈ ગઈ છે. તેમ છતાં હાલ પગાર થાય તેવા કોઈ સંકેતો સાંપડતા નથી. તેવું ચર્ચાઈ રહ્યું છે. આમ બબ્બે મહિનાથી પગાર માટે ટળવળતા દાહોદ નગરપાલિકાના કર્મચારીઓની તથા તેમના પરિવારજનોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. હાલ કારમી મોંઘવારીના કપરાં સમયમાં કોઈ વેપારી ઉધાર આપે તો એકાદ માસ આપે. ત્યાર પછી તો તે પણ ના પાડી દે. એવી સ્થિતિ ઊભી થવાને કારણે નાણાકીય ભીસ અનુભવી રહેલા દાહોદ નગરપાલિકાના કર્મચારીઓની સ્થિતિ જાય તો જાય કહા જેવી થવા પામી છે. એક તરફ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા વિવિધ રીતે નાણાકીય સહાય પૂરી પાડી તનતોડ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેવા સમયે બબ્બે મહિનાનો કર્મચારીઓનો પગાર ન કરી દાહોદ નગરપાલિકાતંત્ર કર્મચારીઓને પોતાના પરિવારના ગુજરાન માટેના નાણા માટે વ્યાજખોરોની ચોખટ પર જવા મજબૂર કરતું હોય એવી સ્થિતિ હાલના તબક્કે ઉભી થવા પામી છે. ત્યારે દાહોદ નગરપાલિકાના કર્મચારીઓના બાકી રહેલા પગારના તમામ નાણા જેમ બને તેમ જલ્દી ચૂકવવામાં આવે તેવી દાહોદ નગરપાલિકાના કર્મચારીઓની લાગણી અને માંગણી છે. ત્યારે પાલિકાના અધિકારીઓ આ મામલે શું વ્યવસ્થા કરશે તે હવે જોવું રહ્યું!!!