વાયએસઆરસીપીના સુપ્રીમો વાયએસ જગન મોહન રેડ્ડીએ મંગળવારે ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ને બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. આંધ્રપ્રદેશમાં તાજેતરની લોક્સભા અને વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ દાવો કર્યો હતો કે દરેક આધુનિક લોકશાહીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે.
વાયએસઆરસીપી સુપ્રીમોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, વિશ્ર્વભરમાં લગભગ દરેક અદ્યતન લોકશાહીમાં, ચૂંટણીમાં ઇવીએમનો નહીં, બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે આપણી લોકશાહીની સાચી ભાવના જાળવી રાખવા માટે આપણે પણ એ જ દિશામાં આગળ વધવું જોઈએ. જગન મોહન રેડ્ડીએ કહ્યું કે, જે રીતે ન્યાય માત્ર થતો નથી, તે દેખાતો પણ હોવો જોઈએ. એ જ રીતે, લોકશાહી માત્ર પ્રસ્થાપિત થવી જોઈએ નહીં પણ દેખાતી પણ હોવી જોઈએ.
આંધ્ર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વાયએસઆરસીપીને માત્ર ૧૧ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે લોક્સભા ચૂંટણીમાં પાર્ટી માત્ર ચાર સીટો જીતી શકી હતી. રાજ્યની ૧૭૫ વિધાનસભા સીટોમાંથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે ૧૬૪ સીટો જીતી હતી. આ ગઠબંધનને લોક્સભા ચૂંટણીમાં ૨૫માંથી ૨૧ બેઠકો મળી હતી.