દરભંગા, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે શનિવારે કહ્યું કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના કાર્યકાળ દરમિયાન મુસ્લિમો સહિત પછાત વર્ગો માટે આરક્ષણની શરૂઆત કરવામાં આવી હતી. આરજેડી નેતા યાદવે આ વાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દાવા પર કહી હતી કે તેમના પિતા અને પાર્ટીના વડા લાલુ પ્રસાદે મુસ્લિમો માટે આરક્ષણ શરૂ કરવાની માંગ કરી હતી.
યાદવે કહ્યું, “એવું લાગે છે કે વડા પ્રધાન કર્પૂરી ઠાકુરનું અપમાન કરવા પર તત્પર છે. મને આશ્ર્ચર્ય થાય છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુ કેમ ચૂપ છે. વડા પ્રધાને આક્ષેપ કર્યો હતો કે આરજેડી અને કોંગ્રેસ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટેના આરક્ષણને લૂંટવા અને મુસ્લિમોને આપવા માગે છે.આના જવાબમાં યાદવે કહ્યું, “અમે રાજ્ય સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વંચિત જાતિઓ માટે અનામત ૫૦ થી વધારીને ૬૫ ટકા કરી છે. અમે કેન્દ્રને તેને બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરવા વિનંતી કરી હતી પરંતુ કેન્દ્રની એનડીએ સરકારે તેમ કર્યું ન હતું.
તેમણે કહ્યું, “આ મિથિલા પ્રદેશ ગંગા-જામુની સંસ્કૃતિ ધરાવતો વિસ્તાર છે. વડાપ્રધાને લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરવી જોઈએ. ૨૦૧૯ની લોક્સભા ચૂંટણી દરમિયાન તેમણે જે વચનો આપ્યા હતા તેનું શું થયું? બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અને વિશેષ પેકેજનું શું થયું?