કપરાડામાં યુવતીની લાજ બચાવવા જતા માજી તાલુકા પંચાયતના સભ્યની હત્યા

કપરાડા,કપરાડામાં યુવતીની લાજ બચાવવા જતા એક નિર્દોષ વ્યક્તિની હત્યાના બનાવથી ચકચાર મચી છે. બુધવારની મધ્ય રાત્રિએ એક અસ્થિર મગજની યુવતીની લાજ બચાવવા જતાં તાલુકાના માજી સભ્યની હત્યા થઈ હતી. માનસિક અસ્થિર રીતે યુવતીએ બૂમાબૂમ કરતા પડોશમાં રહેતો યુવક બચાવવા માટે દોડી આવ્યો હતો. જોકે, આરોપીએ બચાવનાર યુવકના ગુપ્તાંગના ભાગે ઉપરાછાપરી લાતો મારતા તેમનું મોત થયું હતું.

કપરાડાના ડુંગરી ફળિયામાં રહેતો ૫૫ વર્ષીય નવસુ જમસુભાઇ વઢાળીની દાનત બગડતા અને હવસ સંતોષવા માટે બુધવારે મોડી રાત્રિએ એક નાનકડા કાચા ઘરમાં રહેતી માનસિક અસ્થિર નિરૂ નામક મહિલા સાથે દુષ્કર્મ કરવાના ઇરાદે ઘરમાં ઘુસી ગયો હતો. ગવટખા ગામની હરખમાળ ફળિયાની છોકરી નિરૂબેન છેલ્લા એક માસથી ૬૫ વર્ષીય સુંદરીબેન રામજીભાઈ વાજવડીયાના ઘરમાં જ રહેતી હતી. બુધવારે રાત્રિએ પણ નિરૂ અને સુંદરી ઘરમાં સુતેલા હતા ત્યારે રાત્રિના હવસખોર નવસુ વઢાળી ઘરમાં ઘુસી ગયો હતો. નવસુએ રાત્રે નિરુને ઊંઘમાં જ પકડી લઇ લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, ગભરાયેલી નિરૂએ સુંદરીબેનને બુમો પાડતા સુંદરી ઉંઘમાંથી જાગી ગઈ હતી. નિરૂનું મોઢું દબાવીને બેસેલો નવસુને જોતા સુંદરીબેને પડોશમાં રહેતા તેમના પુત્ર રામદાસને બુમો પાડી હતી. બૂમો સાંભળીને રામદાસ બીજા ઘરેથી સુંદરીના ઘરે દોડી આવ્યો હતો. રાત્રિએ રામદાસ અને આરોપી નવસુ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

જોકે, મારામારીમાં નવસુએ તક જોઈને ૪૨ વર્ષીય રામદાસ રામજી વાજવડીયાને નીચે પાડી તેમના ગુપ્તાંગમાં જોરદાર લાત મારતા તેઓ ઢળી પડ્યા હતા. ઝઘડો અને મારામારીથી આજુબાજુના લોકો દોડી આવીને ઇજાગ્રસ્ત રામદાસને સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યા ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. એક માનસિક યુવતીની લાજ બચાવવામાં મોતને ભેટેલો ૪૫ વર્ષીય રામદાસ વાજવડિયા અગાઉ કપરાડા તાલુકા પંચાયતનો સભ્ય પણ ચૂંટાયો હતો.

મૃતક રામદાસની માતાએ માનવતાના ધોરણે માનસિક અસ્થિર યુવતી નીરૂને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. જોકે, જે યુવતીને આશરો આપ્યો હતો તેની લાજ બચાવવા જતા માતા સુંદરીબેને પોતાનો જુવાનજોધ પુત્ર ગુમાવવો પડ્યો હતો. રામદાસની થયેલી હત્યાના પગલે સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો.ઘટનાની જાણ કપરાડા પોલીસ સ્ટેશનમાં કરાતા પીએસઆઈ જી.એસ.પટેલ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. આરોપી નાસી છૂટે તે પહેલાં જ દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.