વલસાડ જીલ્લામાં મેઘરાજાએ બે દિવસના વિરામ બાદ ફરી બેટીંગ શરૂ કરતા સોમવારે સરેરાશ ૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં જ નોંધપાત્ર વરસાદ પડયો હતો. કપરાડામાં ૪.૫ ઈંચ, વાપીમાં ૩.૫ ઈંચ સહિત સર્વત્ર વરસાદ પડયો હતો. સંઘપ્રદેશમાં ગત ૩૩ કલાકમાં દમણમાં ૨ ઈંચ અને દા.ન.હવેલીમાં ૪ ઈંચ વરસાદ પડયો હતો.
દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના લીધે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની જીવાદોરી સમાન કેલીયા ડેમ સોમવારે ઓવરફ્લો થયો હતો. જેથી નીચાણવાળા ૨૩ ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે જુજ ડેમ ૯૦ ટકા ભરાતા ૨૫ ગામોને એલર્ટ કરાયા છે. જોકે, ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશાલી છવાઈ છે.
વાંસદા તાલુકાની જીવાદોરી સમાન જુજ અને કેલીયા ડેમ પૈકી સોમવારે સવારે ૯ કલાકે કેલીયા ડેમ તેની ૧૧૩.૪૦ મીટરની સપાટી પરથી ૦.૦૫ મીટરથી ઓવરફલો થયો હતો. જયારે તાલુકાના બીજા જુજ ડેમમાં ઓવરફલોની સપાટી ૧૯૭.૫૦ મીટરની છે. સોમવારે સાંજે ૪ કલાકે પાણીની સપાટી ૧૯૪.૪૦મીટર *પર પહોંચતા ડેમ ભરાવામાં માત્ર ૧.૧૦ મીટર બાકી છે. આમ જુજ ડેમ ૯૦ ટકા અમરાયો છે. વાંસદા તાલુકાનો કેલીયા ડેમ ઓવરફલો થતા નીચાણવાળા ૨૩ ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. તો જૂજ ડેમ પણ ૯૦ટકા ભરાતા નીચાણવાળા ૨૫ ગામોને એલર્ટ કરાયા છે.
આ ઉપરાંત ધરમપુર અને ઉમરગામમાં ૨-૨ ઈંચ, પારડીમાં ૧ ઈંચ અને વલસાડમાં ૦.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જીલ્લાના મધુબન ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતાં આજે સોમવારે ૧૯૯૮૯ કયુસેક પાણીની આવક થતાં ડેમના ૧૦ પૈકી ૨ દરવાજા મીટર સુધી ખુલ્લા મુકી નદી મારફતે ૫૯૫૫ કયુસેક પાણ છોડાયું હતું. સાંજે ડેમની સપાટી ૭૨૦૫ મીટર નોંધાઈ હતી. ડેમની ભયજનક સપાટી ૮૨મીટર છે. પડોશી સંઘપ્રદેશ દમણમાં ૨ ઈંચ અને દા.ન.હવેલીમાં ૪ ઈંચ વરસાદ પડયો હતો.