કપડવંજ-બાલાસિનોર અને ગળતેશ્ર્વરમાં ક્વોરી ઉઘોગ ઠપ્પ : જી.પી.એસ. વગર રોયલ્ટી ન નીકળતા ટ્રકો થંભી ગયા

સેવાલિયા,\ રાજય સરકાર દ્વારા રાજયમાં ખનીજ ચોરી અટકાવવાના ભાગરૂપે ખનીજનુ વહન કરતા તમામ માલવાહક વાહન ઉપર જી.પી.એસ.સિસ્ટમ લગાવવાનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. જેને લઈને ખેડા જિલ્લામાં ખનીજ વહન કરતા વાહનોમાં જી.પી.એસ.ડિવાઈસ લગાવવુ ફરજીયાત બનતા અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

સરકારના ધારાધોરણ મુજબ માત્ર 5 કે 10 ટકા જેટલા વાહનોના માલિકોએ જ જી.પી.એસ.ડિવાઈસ લગાવ્યુ છે. બાકીના 90 થી 95 ટકા માલવાહક વાહનોમાં જી.પી.એસ.ડિવાઈસ લગાવેલા ન હોવાથી હાલ મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે એકદમ જ તઘલખી નિર્ણય લઈને જી.પી.એસ.ફરજીયાત કરતા કપડવંજ બાલાસિનોર અને ગળતેશ્ર્વર તાલુકાના ક્વોરી ઉઘોગ ઠપ્પ થઈ ગયા છે કારણ કે,કવોરી ઉઘોગમાં જી.પી.એસ.હોવાથી તેઓની રોયલ્ટી નીકળે છે. પરંતુ જે વાહન કપચી ભરવા માટે આવે છે તે વાહનમાં જી.પી.એસ.ન હોવાથી રોયલ્ટી નીકળતી ન હોઈ ફેરો મારી શકાતો નથી. વાહનોના માલિકો જી.પી.એસ.લગાવવા માટે તત્પર છે. પરંતુ જે જી.પી.એસ.લગાવે છે તેઓ એને પોર્ટલ ઉપર અપલોડ પર થતાં ન હોય સમસ્યા સર્જાઈ છે.